દિલ્હી મેટ્રો સ્ટેશનની દીવાલો પર ખાલિસ્તાન-તરફી સૂત્રો લખાયા

નવી દિલ્હીઃ આજે અહીં એક આંચકાજનક બનાવ બન્યો. આ રાષ્ટ્રીય પાટનગરમાં પાંચ મેટ્રો સ્ટેશનોની દીવાલો પર ખાલિસ્તાનનું સમર્થન કરતો સંદેશ લખેલો જોવા મળ્યો હતો. તેની સાથે શીખ અલગતાવાદી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે)નું નામ પણ લખેલું જોવા મળ્યું હતું. દીવાલો પર લખવામાં આવ્યું હતું; ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’, ‘દિલ્હી બનેલા ખાલિસ્તાન’ અને ‘લોન્ગ લાઈવ ખાલિસ્તાન’.

દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં જી-20 શિખર સંમેલન યોજાવાનું છે તેવામાં ખાલિસ્તાન તરફી સૂત્રો લખેલી દિલ્હી મેટ્રો સ્ટેશનોની દીવાલોનું એક અણઘડ ફૂટેજ રિલીઝ કરવામાં આવ્યું છે. અલગતાવાદી જૂથ એસએફજેના અસંખ્ય કાર્યકર્તાઓ શિવાજી પાર્ક, પંજાબ બાગ સહિત અનેક મેટ્રો સ્ટેશનમાં ઘૂસ્યા હતા અને ખાલિસ્તાન તરફી નારા લગાવતા હતા. દિલ્હી પોલીસે શિવાજી પાર્ક મેટ્રો સ્ટેશનની દીવાલો પર લખેલા ખાલિસ્તાન તરફી નારા દૂર કરાવ્યા હતા.

2022ના મે મહિનામાં હિમાચલ પ્રદેશ વિધાનભવનના પ્રવેશદ્વારની બહાર ખાલિસ્તાનવાદીઓએ ખાલિસ્તાની ઝંડા ફરકાવ્યા હતા અને નારા લગાવ્યા હતા.