પ્રિયંકા મામલે સીઆરપીએફની પોલીસને ક્લીનચીટ!!

લખનૌ: યુપી પોલીસ પર ગેરવર્તનનો આરોપ લગાવનાર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હવે પોતે જ આ મામલે ઘેરાઈ ગયા છે. ઝેડ પ્લસ કેટેગરી હેઠળ આવતી પ્રિયંકાની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલી સીઆરપીએફ એ કહ્યું કે, પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં યુપી પોલીસના અધિકારી અભય મિશ્રાથી કોઈ ભૂલ નથી થઈ. સીઆરપીએફ એ આગળ કહ્યું કે, પ્રિયંકાના ખાનગી સ્ટાફે તેમના પ્રવાસ અંગે પૂરી જાણકારી ન આપી જેના કારણે અગ્રિમ સુરક્ષા કરી શકાઈ નહીં. તમામ સુરક્ષા પડકારો પછી અમે કોંગ્રેસ નેતાને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડી છે.

સીઆરપીએફ એ સોમવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 28 ડિસેમ્બરે પ્રિયંકા ગાંધીનો માત્ર એક જ કાર્યક્રમ હોવાનું જણાવ્યું હતું જેમાં તે કોંગ્રેસ સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યાલયે જવાના હતા. એ જ દિવસે સવારે લગભગ 8 વાગ્યે હજરતગંઝના સીઓ અભય મિશ્રા પ્રિયંકા ગાંધી જે સ્થળે જવાના હતા ત્યાં પહોંચી પ્રિયંકાના સમગ્ર કાર્યક્રમની જાણકારી માગી. પ્રિયંકાના ખાનગી સ્ટાફે તેમને આ જાણકારી આપી નહતી.

કેન્દ્રીય દળે કહ્યું કે, પ્રિયંકા ગાંધીએ તેમના સપૂર્ણ કાર્યક્રમની અગાઉથી સૂચના ન આપી જેના કારણે અગાઉથી સુરક્ષાની તપાસ કરવામાં આવી નહીં. સીઆરપીએફ એ કહ્યું કે, પ્રિયંકા ગાંધી બુલેટ પ્રૂફ ગાડીને બદલે સ્કુટી પર ગયા અને ખાનગી સુરક્ષા અધિકારીને પણ સાથે ન રાખ્યો. સુરક્ષાને લઈને તમામ મુશ્કેલીઓ પછી પણ સીઆરપીએફ તેમને જરુરી સુરક્ષા ઉપલબ્ધ કરાવી.

શું છે સમગ્ર મામલો

હકીકતમાં આ ઘટના શનિવારની છે જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પૂર્વ આઈપીએસ એસઆર દારાપુરી અને કોંગ્રેસ પ્રવક્તા સદફ ઝફરને મળવા જઈ રહી હતી.  પ્રિયંકાએ યુપી પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે, હું મારો કાર્યક્રમ સમાપ્ત કરીને તમાશો ન થાય એટલા માટે કોઈને કીધા વગર 4-5 લોકો ગાડીમાં બેસીને દારાપુરીજીના પરિવારને મળવા જઈ રહ્યા હતાં.

રસ્તામાં પોલીસની એક ગાડી આવી અને તેણે અમારી ગાડીને રોકાવી દીધી. પોલીસે અમને કહ્યું કે, તમે આગળ નહીં જઈ શકો. ત્યારબાદ હું ગાડીમાંથી નિચે ઉતરી ગઈ અને મેં કહ્યું કે, પગપાળા જઈશ. હું ચાલવા લાગી તો મને ઘેરી લેવામાં આવી અને મારું ગળુ દબાવ્યું અને પકડીને ધક્કો માર્યો. આવું એક મહિલા પોલીસ કર્મચારીએ કર્યું. હું નીચે પડી ગઈ અને પછી હું ફરીથી ચાલવા લાગી. થોડા સમય પછી ફરી મને રોકવામાં આવી. ત્યારપછી હું મારા કાર્યકર્તા સાથે ટુવ્હિલર પર બેસીને જતી રહી. તો પોલીસે સ્કુટીને પણ ઘેરી લીધી. પછી હું ચાલીને અહીં સુધી આવી છું.

વિવાદ વધતા થોડા સમય પછી પ્રિયંકા ગાંધીએ ગળુ દબાવવા વાળા નિવેદન પર પલટી મારી. પ્રિયંકાએ આ વખતે ગળા પર હાથ લગાવવાની વાત કહી હતી. તો બીજી તરફ લખનૌના એસએસપી કલાનિધિ નૈથિનીએ કહ્યું કે, મોર્નિંગ ઈન્ચાર્જ ડો. અર્ચના સિંહે એડિશનલ સુપરીન્ટેન્ડેટને એક રિપોર્ટ સોંપ્યો છે, જેમાં તેમણે જણાવ્યું કે, પ્રિયંકા ગાંધી વાડ્રાની ગાડી નક્કી કરેલા રૂટ જવાને બદલે કોઈ અન્ય રૂટ પર જઈ રહી હતી.

લખનૌ સીઓ ડો. અર્ચના સિંહે સમગ્ર મામલે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે, પ્રિયંકાએ જણાવેલી વાત બિલ્કુલ ખોટી છે. હું તેમની ફ્લીટ ઈન્ચાર્જ હતી પોલીસે તેમની સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન નથી કર્યું. મને સાડા ચાર વાગ્યે સૂચના મળી કે મેડમ પાર્ટી કાર્યાલયથી પોતાના નિવાસ સ્થાન પર આવશે. મેડમની ફ્લીટ એ પ્રમાણે રવાના કરી દેવામાં આવી. ફ્લીટનો ગાળનો જથ્થો તેમના ઘર તરફ વળી ગયો પણ મેડમ ફ્લીટની સાથે જવાને બદલે સીધા રસ્તે જવા લાગી. હું એ જાણવા માગતી હતી કે, મેડમ કયાં જવા માગે છે, જેથી એ હિસાબે સુરક્ષાની વ્યવસ્થા ઉભી કરી શકાય. મેં માત્ર મારી ડ્યૂટી નિભાવી છે. આ દરમ્યાન મારી સાથે પણ ધક્કા-મુક્કી થઈ હતી.