પ્રિયંકાનું સરપ્રાઈઝઃ કારમાંથી ઉતરી, મોદી-તરફી સમર્થકોને મળ્યાં, એમની સાથે હાથ મિલાવ્યાં

ઈન્દોર – કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ સોમવારે અહીં રોડ શો કર્યો હતો. સરઘસના આરંભે એમણે પક્ષનાં વાહનોનો કાફલો અટકાવ્યો હતો અને નરેન્દ્ર મોદીની તરફેણમાં નારા લગાવતા લોકો પાસે જઈ એમની સાથે હાથ મિલાવ્યાં હતાં. એમનાં એ પ્રતિભાવથી મોદી-તરફીઓને ભારે આશ્ચર્ય થયું હતું.

પ્રિયંકા ગાંધી ઈન્દોરમાં પક્ષના ઉમેદવાર પંકજ સંઘવીના પ્રચાર માટે પાંચ કિ.મી.ના રોડ શો માટે અહીં આવ્યાં હતાં. સવારે, એ એરપોર્ટથી શહેર તરફ જતાં હતાં ત્યારે રસ્તામાં એમણે કેટલાક ભાજપ-સમર્થકોને ‘મોદી-મોદી’નાં નારા લગાવતા જોયા હતા.

પ્રિયંકાએ એમનો કાફલો અટકાવ્યો હતો અને એમની ટાટા સફારી એસયૂવી કારમાંથી બહાર આવ્યાં હતાં અને ભાજપનાં સમર્થકો પાસે જઈ એમની સાથે હાથ મિલાવ્યાં હતાં.

પ્રિયંકાની આવી પ્રતિક્રિયા જોઈને ભાજપ-સમર્થકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પ્રિયંકાએ એમને કહ્યું હતું કે, ‘આપ અપની જગહ ઔર મૈં અપની જગહ. ઓલ ધ બેસ્ટ.’

ભાજપનાં સમર્થકો કોંગ્રેસી નેતા પ્રિયંકાની સાદગીથી ચકિત થઈ ગયા હતા અને એમણે પણ પ્રિયંકાને સામું ‘ઓલ ધ બેસ્ટ’ કહ્યું હતું.

પ્રિયંકા ત્યારબાદ એમનાં રોડ શો માટે જવા રવાના થયાં હતાં. એમની સાથે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ પણ હતા.

રતલામ લોકસભા મતવિસ્તારમાં એક જાહેર સભા વખતે પણ પ્રિયંકાએ સુરક્ષા પ્રોટોકોલ તોડ્યો હતો અને લાકડાની વાડ ઓળંગીને કોંગ્રેસનાં મહિલા સમર્થકો પાસે ગયાં હતાં અને એમની સાથે સેલ્ફીઓ પડાવી હતી.