કોઈ ગાંધી જ બને અધ્યક્ષ, નહીં તો 24 કલાકમાં પાર્ટી તૂટી જશે: નટવર સિંહ

નવી દિલ્હી– કોંગ્રેસના નવા અધ્યક્ષની શોધ ચાલી રહી છે. રાહુલા ગાંધીએ અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યાં બાદ પાર્ટીમાં નવા લીડરને લઈને અત્યાર સુધી કોઈ સહમતી બની નથી. આ ચહલપહલ વચ્ચે પાર્ટીના સીનિયર લીડર અને પૂર્વ વિદેશપ્રધાન નટવરસિંહે પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનવવાની વાત કહી છે. તેમના અનુસાર પ્રિયંકામાં પાર્ટી અધ્યક્ષ બનવાના તમામ ગુણો છે, અને જો ગાંધી પરિવારની બહારથી કોઈ અધ્યક્ષ બનશે તો પાર્ટી 24 કલાકની અંદરમાં તૂટી જશે.

નટવરસિંહે કહ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગાંધી પરિવારમાંથી હવે કોઈ પાર્ટીનું અધ્યક્ષ નહીં બને, પરંતુ હવે તેમણે તેનો નિર્ણય બદલવો પડશે. મારું માનવું છે કે, આ જવાબદારી માત્ર ગાંધી પરિવાર જ નિભાવી શકે છે. જો આવું નહીં થાય તો પછી પાર્ટી 24 કલાકમાં તૂટી જશે. નટવર સિંહે એમ પણ કહ્યું કે, આ દેશ માટે દૂર્ભાગ્યપૂર્ણ છે કે, 134 વર્ષ જૂની પાર્ટી પાસે હાલ કોઈ અધ્યક્ષ નથી.

 

નટવરસિંહે પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં જ સોનભદ્ર નરસંહાર મામલે ધરણાં કર્યા હતાં તે વાતનો ઉલ્લેખ કરતા તેમના વખાણ કર્યાં હતાં. રાહુલ ગાંધીના રાજીનામાં પછી પ્રિયંકા ગાંધીના સમર્થનમાં સતત અવાજો ઉઠી રહ્યાં છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ પ્રિયંકાને નવા અધ્યક્ષ બનાવવાની માગ કરી છે. તેમણે પ્રિયંકાને અપીલ કરી છે કે, એ લાખો કાર્યકર્તાઓની વાત સાંભળે અને નવી જવાબદારી સંભાળે.  આ ઉપરાંત કોંગ્રેસના એક અન્ય સીનિયર નેતા અનિલ શાસ્ત્રીએ પણ પ્રિયંકા ગાંધીનું સમર્થન કર્યું છે.

મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીમાં મળેલી હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનાનું આપી દીધુ હતું. તેમને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તે ન માન્યા. આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 52 બેઠકો પર જ જીત મળી હતી.