નવી દિલ્હી- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સોશિયલ એકાઉન્ટ પરથી બુધવારે એક વિડિયો ડિલીટ કરવામાં આવ્યો. આ વિડિયો મૂળ મંત્ર પર એક ડાન્સનો હતો જે ગુરુ ગ્રંથસાહિબની એક રચના હતી. આ વિડિયોના અપલોડ થવાની સાથે કેટલાક શીખ સમુદાયોએ આ વિડિયોની આલોચના કરી હતી. આ આલોચકોમાં અકાલ તખ્ત અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) પણ સામેલ છે.
હકીકતમાં રાષ્ટ્રપતિના ટ્વીટર એકાઉન્ટ પર અપલોડ થયેલો ડાન્સ વિડિયો ગત 31 માર્ચના રોજ ચીલીના સેટિયાગોમાં રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બનાવામાં આવ્યો હતો. વિડિયો રાષ્ટ્રપતિના ટ્વીટર એકાઉન્ટ પર એક એપ્રિલના રોજ સાંજે 7.29 વાગ્યે અપલોડ થયો હતો. 1 મિનિટ અને 22 સેકેન્ડના આ વિડિયોનું કેપ્શન હતું ‘એક ઓમકાર સતનામ: પર એક ભાવપૂર્ણ અભિનય. સમગ્ર વિવાદ બાદ રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યું કે, રાષ્ટ્રપતિ ભારતની વિવિધતાનો સ્વીકાર કરે છે, હું ગુરુ નાનક દેવના જીવન અને સંદેશમાં વિશ્વાસ રાખું છું. મહત્વનું છે કે, મૂળ મંત્ર કે જેને બીજ મંત્ર અથવા તો ગુરુ મંત્ર પણ કહેવામાં આવે છે, તેની શરુઆત જપજી સાહિબમાં થાય છે જે, ગુરુ ગ્રંથસાહિબની એક પ્રાર્થના છે.
સેન્ટ્રલ યુનિવર્સિટી ગુર ગોવિંદ સિંહના એક પ્રોફેસર હરપાલ સિંહ પન્નુએ કહ્યું મૂળ મંત્ર જપજીની શરુઆતમાં આવે છે. આ મહત્વપૂર્ણ રાગો અને બાનીમાં પણ આવે છે. પરંતુ આ મંત્ર કાર્યક્રમોમાં ગાવા માટે નથી. આ સાથે જ શીખ સમુદાયોનું કહેવું છે કે, બેકગ્રાઉન્ડમાં મૂળ મંત્ર વગાડીને તેના પર ડાન્સ કરવો નિંદનીય છે.
રાષ્ટ્રપતિના મીડિયા સચિવ અશોક મલિકે કહ્યું કે, વિડિયો રાષ્ટ્રપતિના ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટ પરથી ડિલિટ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તેમણે ટ્વીટ કર્યુ, આ સપ્તાહની શરુઆતમાં, રાષ્ટ્રપતિ કોવિંદની ચીલીના પ્રવાસ દરમિયાન સૈટિયાગોમાં એક ભારતીય સમુદાયના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ભારતીય સમુદાયના સભ્યોએ એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો અને કેટલાક વિડિયો રાષ્ટ્રપતિના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કર્યાં હતાં. આ વિડિયોમાં રાષ્ટ્રપતિ સચિવાલયની કોઈ ભૂમિકા નથી.