નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી એ શુક્રવારે કહ્યું હતું કે પ્રશાંત કિશોર કોણ છે? જેનો જવાબ આપતા જનતા દળ યૂનાઈટેડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે, હરદીપ પુરીજીએ એકદમ સાચુ કીધું છે તેણે મને ઓળખવાની જરુર પણ નથી. હરદીપ પુરી દેશના આટલા મોટા નેતા છે, ભારત સરકારના મંત્રી છે જેથી તેમને મારા જેવા સામાન્ય વ્યક્તિ અંગેની જાણકારી હોવી શક્ય નથી. માત્ર દિલ્હી રાજ્યમાં 50 લાખથી વધુ યુપી-બિહારના મારા જેવા લોકો અહીં આવીને વસવાટ કરી રહ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, યુપી-બિહારના લોકો પોતાનું સ્થાન જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આટલા બધા લોકોને હરદીપ જેવા મોટા વ્યક્તિ જો વ્યક્તિગત રીતે ઓળખવાનો પ્રયત્ન કરશે તો તેમની ગરીમા, તેમનું પદ અને તેમના સ્ટેટસનું માન નહીં જળવાઈ. હું તેમની વાત સાથે સંપૂર્ણ સહમત છું કે તે મને નથી ઓળખતા અને તેમણે મારા વિશે જાણવું પણ ન જોઈએ પણ હું તેમને ઓળખુ છું. પુરીજી મોટા માણસ છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ચૂંટણી રણનીતિકાર અને રાજકીય સલાહકાર પ્રશાંત કિશોરની મદદ લીધી છે. શુક્રવારે કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે તે પ્રશાંત કિશોરને વ્યક્તિગત રુપથી જાણતા નથી. હરદીપ સિંહ પુરી દિલ્હી ચૂંટણી માટે ભાજપાના પ્રભારી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રશાંત કિશોરની કંપનીની સેવા લેવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે પ્રશાંત કિશોર કોણ છે?