ભૂટાનમાં પણ મોદીમોદીઃ PMનો પડોશી દેશનો પ્રવાસ આ રીતે ઘણો મહત્વનો…

પારો (ભૂટાન)-વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસના ભૂટાન પ્રવાસે પહોંચ્યા છે. થિંપૂના પારો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂટાનના પીએમ લોટે શેરિંગે નરેન્દ્ર મોદીનું ઉમળાભેર સ્વાગત કર્યું હતું. મોદીને એરપોર્ટ પર જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પીએમ મોદીનો કાફલો જે રસ્તાઓ પરથી નીકળ્યો ત્યાં ભૂટાનના લોકોએ બંને દેશોના ધ્વજને લહેરાવીને પારંપરિક અંદાજમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

 

બંન્ને દેશો વચ્ચે 10 મહત્વના કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. ભૂટાનની મુલાકાત પૂર્વે મોદીએ જણાવ્યું હતું કે, ‘બીજી ટર્મના પ્રારંભે હિમાલયના આ દેશની મુલાકાતથી એ ફલિત થાય છે કે તેમની સરકાર માટે ભૂટાન સાથેના સંબંધો કેટલા મહત્વપૂર્ણ છે. ભૂટાન એક વિશ્વાસપાત્ર મિત્ર અને પાડોશી છે.

વિદ્યાર્થીઓને સંબોધશે પીએમ મોદી

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દ્વીપક્ષીય સંબંધોના તમામ પાસાંઓ પર ભૂટાનના રાજા, પૂર્વ રાજા અને ત્યાંના વડાપ્રધાન સાથે સાર્થક વાતચીતને લઈને આશાવાદી છું. ભૂટાન રોયલ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધિત કરવા માટે પણ ઉત્સુક છું. મને વિશ્વાસ છે કે આ યાત્રાથી અમારી મિત્રતા વધુ મજબૂત થશે. ભારતની નીતિ હંમેશા ‘પહેલા પાડોશી’ની રહી છે.

મોદીની આ બીજી વખત ભૂટાનની મુલાકાત છે. અગાઉ 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે ભૂટાનનો પ્રથમ વિદેશ પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાન મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સાથે પણ મુલાકાત કરશે.

ભૂટાન સાથે સંબંધનું મહત્વ

વ્યૂહાત્મક બફર- નેપાળે હાલના જ વર્ષોમાં ભારત અને ચીન બંન્ને દેશો સાથે પોતાના સંબંધોને સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ સ્થિતિમા ભારત પર ઈચ્છે છે કે, હિમાલયી ક્ષેત્રમાં તેમનો પ્રભાવ યથાવત રહે. ભારત પર નિર્ભર હોવા છતાં પણ નેપાળ 2017માં ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટમાં સામેલ થઈ ગયું. અઘોષિત સરહદ હોવાને કારણે ભૂટાનનો ચીન સાથે વિવાદ ચાલે છે. નવી દિલ્હી સાથે ભૂટાનના વિશેષ સંબંધ છે.

સૈન્ય સુરક્ષા- ચીન અને ભારત વચ્ચે ભૂટાન એક બફર તરીકે છે. 2017માં ડોકલામમાં ભારત અને ચીન બંન્ને દેશોની સૈના આમને સામને આવી ગઈ હતી. રોયલ ભૂટાન આર્મીના પેટ્રોલિંગ દરમિયાન જાણકારી મળી હતી કે, ભૂટાનની સરહદમાં ચીન રસ્તો બનાવી રહ્યું છે. ત્યારબાદ ભારતીય સેનાએ ચીનના આ રસ્તો બનાવતા રોક્યું હતું. જેના કારણે 75 દિવસ સુધી ડોકલામમાં ઘર્ષણ ચાલ્યું હતું.  ચીનની માગ છે કે, ભૂટાન તેમના ડોકલામ પઠારનો 269 વર્ગ કિમી વિસ્તાર આપી દે,જે તેમની સેના ભારત વિરુદ્દ ઉપયોગ કરી શકે, પરંતુ ભૂટાને સ્પષ્ટ ઈનકાર કરી દીધો.

ભારતના સિક્કિમ રાજ્ય અને ભૂટાન પાસે સાંસ્કૃતિક વારસો છે. બંન્ને પહેલા સ્વતંત્ર રાજ્ય હતાં. 1975માં સિક્કિમ ભારતમાં સામેલ થયું. સિક્કિમ અને ભૂટાનના શાહી પરિવાર એકબીજા સાથે સંકળાયેલા હતાં. ભૂટાનના લોકો પણ દલાઈ લામાને તેમના આધ્યાત્મિક ગુરુ માને છે.