યુસૈન બોલ્ટની ભારતીય આવૃત્તિ જેવો રામેશ્વર, કેન્દ્રીયપ્રધાનને પડ્યો રસ, આમંત્રણ…

નવી દિલ્હીઃ 100 મીટરની દોડની વાત આવે તો દરેક વ્યક્તિના મનમાં પહેલું નામ જમૈકાના યુસૈન બોલ્ટનું આવે. પરંતુ હવે ભારતમાં પણ તેની આવૃત્તિ હોય તેવો એક રામેશ્વર ગુર્જર છે જે વીજળીની ઝડપે દોડે છે. હાલ આ ભારતના બોલ્ટનો દોડતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો છે મધ્યપ્રદેશના શિવપુરીના યુવા દોડવીર રામેશ્વરનો.

આ વિડિયોમાં જોઈ શકાય છે કે, રામેશ્વર 11 સેકન્ડમાં 100 મીટર દોડી જાય છે. મધ્યપ્રદેશનાં પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણએ જ્યારે આ વીડિયોને શેર કર્યો ત્યારે કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજિજૂએ આ દોડવીરને પોતાની પાસે મોકલવાની અપીલ કરી છે. કેન્દ્રીય રમતગમત પ્રધાનના આશ્વાસન બાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી રામેશ્વરને તાત્કાલિક ધોરણે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સ્થિત SAI સેન્ટર પર પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.

શિવરાજસિંહે પોતાના ટ્વીટર હેન્ડલથી યુવાન રામેશ્વરનો એક વીડિયો શેર કરતાં લખ્યું છે કે, ‘ભારત આવી વ્યક્તિગત પ્રતિભાથી સમૃદ્ધ છે. જો તેમને યોગ્ય તક અને યોગ્ય મંચ મળે, તો આ લોકો ચોક્કસપણે નવો ઇતિહાસ રચતા જોવા મળશે.’

શિવરાજસિંહ ચૌહાણે લખ્યું કે, હું ભારતના રમતપ્રધાન કિરણ રિજિજુને અપીલ કરું છું કે આ ઉત્સાહી રમતવીરને તેમની પ્રતિભા વિકસાવવામાં મદદ કરે.  આ ટ્વીટની સાથે શિવરાજસિંહ ચૌહાણે પત્રકારનો આભાર પણ માન્યો છે, જેના કારણે આ વીડિયો તેમની પાસે પહોંચાડ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રામેશ્વરમ 100 મીટર રેસ માત્ર 11 સેકન્ડમાં પૂર્ણ કરી રહ્યો છે. આપણા દેશમાં વારંવાર એવું કહેવામાં આવે છે કે જો દેશને રમતગમતના ક્ષેત્રમાં પ્રતિભાની જરૂર હોય, તો પછી તે ગામડાની યાત્રા કરે. જો અહીં મળતી પ્રતિભાને યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવે તો દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા મેડલ મેળવી શકે છે.

ઉઘાડા પગે દોડી રહ્યો છે 100 મીટરની દોડ 11 સેકન્ડમાં

આ વીડિયોમાં આ યુવા ખેલાડી રસ્તા પર ઉઘાડા પગે દોડતો જોવા મળી રહ્યો છે. ચૂનાથી 100 મીટર સુધીની નિશાની આ વીડિઓમાં જોવા મળે છે અને માત્ર 11 સેકંડમાં આ યુવા દોડવીર તેના પ્રારંભિક સ્થાનેથી 100 મીટરની દોડની અંતિમ રેખાને પૂર્ણ કરે છે.

રમતગમત પ્રધાને આપ્યું સમર્થનનું વચન

રમતગમત પ્રધાન કિરણ રિજિજૂએ પોતાના ટ્વીટમાં લખ્યુ, ‘શિવરાજસિંહજી કોઇને કહો કે આ (રામેશ્વર) એથલીટને મારી પાસે લઇને આવે. હું તેમને એથલેટિક એકેડમીમાં રાખવાની સમગ્ર વ્યવસ્થા કરીશ. સોશિયલ મીડિયમાં આ એથલેટિકને પૂર્વ મુખ્યપ્રધાનની પહેલ અને કેન્દ્રિય રમતગમત પ્રધાન દ્વારા મળેલા સમર્થનને લોકો પસંદ કરી રહ્યાં છે.