નવી દિલ્હીઃ ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ એવા પ્રધાનો પર નારાજગી વ્યક્ત કરી જેઓ રોસ્ટર ડ્યૂટી દરમિયાન પણ ગાયબ રહે છે. તેમણે કહ્યું કે આવા પ્રધાનોના નામ સાંજ સુધીમાં જણાવી દેવામાં આવે. આ સાથે જ વડાપ્રધાને સાંસદોને પણ કહ્યું છે કે તેઓ રાજનીતિથી હટીને કામ કરે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સાંસદોને વર્તમાન જળ સંકટ પર કામ કરવું જોઈએ.
તેમણે પોતાના ક્ષેત્રના અધિકારીઓ સાથે બેસીને જનતાની સમસ્યા પર વાત કરવી જોઈએ. વડાપ્રધાન મોદીએ સાંસદોને કહ્યું કે તેમણે પોતાના ક્ષેત્ર માટે કોઈ યુનિક વર્ક કરવું જોઈએ અને જિલ્લા પ્રશાસન સાથે મળીને કામ કરવું જોઈએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જાનવરોની બીમારી, ટીબી અને કુષ્ઠ રોગ જેવી બિમારીઓ પર મિશન મોડમાં કામ કરવું જોઈએ.ઉલ્લેખનીય છે કે ગત વખતે સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે અનુશાસનના મુદ્દા પર સ્પષ્ટ કહ્યું હતું કે કોઈપણ હોય અને કોઈપણનો દિકરો હોય કાર્યવાહી થવી જોઈએ. તે દરમિયાન ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના દિકરા આકાશ વિજયવર્ગીયએ જે અધિકારી સાથે ગેરવર્તણૂક કરી તે આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયું. વડાપ્રધાન મોદીના આ નિવેદન બાદ આકાશ વિજયવર્ગીયને પાર્ટી દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી. તો ઉત્તરાખંડના ધારાસભ્ય પ્રણ ચેમ્પિયનને હથિયારો સાથે ડાંસ કરવા પર નિલંબિત કરવામાં આવ્યા હતા.
મહત્વની વાત એ પણ છે કે ગત કાર્યકાળમાં વડાપ્રધાન મોદી સંસદીય દળની બેઠકમાં હંમેશા નરમ અને સમજાવવાની મુદ્રામાં રહેતા હતા. ત્યાં સુધી કે ગામડા દત્તક લેવાની યોજના પર સાંસદોના વલણને લઈને તેમણે કોઈને નહોતા ટોક્યા. આ વખતના કાર્યકાળમાં વડાપ્રધાનનો મિજાજ બદલાયેલો દેખાઈ રહ્યો છે.