મોદી ન્યૂયોર્કમાં 20 દ્વિપક્ષીય બેઠક યોજશે; એકેયમાં કશ્મીરનો મુદ્દો નહીં હોય

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી 7 દિવસ માટે અમેરિકાના પ્રવાસે જશે. એ 27 સપ્ટેંબર સુધી અમેરિકામાં ન્યૂયોર્ક અને હ્યુસ્ટનમાં રહેશે. ન્યૂયોર્કમાં 27 સપ્ટેંબરે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની મહાસમિતિ (UNGA)ના સંમેલનમાં હાજરી આપશે અને સંબોધન પણ કરશે.

ન્યૂયોર્કની મુલાકાત દરમિયાન મોદી 20 વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે, એમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ સમાવેશ થાય છે.

UNGA સંમેલનમાં પોતાના સંબોધનમાં મોદી વિકાસ, શાંતિ તથા સુરક્ષાના ક્ષેત્રોમાં ભારતની ભૂમિકાની છણાવટ કરશે. તેઓ પોતાના સંબોધનમાં બંધારણની વિવાદાસ્પદ કલમ 370નો કોઈ ઉલ્લેખ નહીં, કારણ કે તે ભારતની આંતરિક બાબત છે.

મોદીની અમેરિકા મુલાકાત વિશે જાણકારી આપતાં વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે UNGAમાં જો પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન કશ્મીરનો મુદ્દો ઉઠાવશે તો ભલે ઉઠાવે, ભારત નહીં ઉઠાવે.

ગોખલેએ કહ્યું કે ચર્ચા કરવા માટે ભારત પાસે અનેક બહુરાષ્ટ્રીય હિતોને લગતા મુદ્દા છે. એમાંનો એક છે, ત્રાસવાદ.

ન્યૂયોર્કમાં વડા પ્રધાન એનર્જિ સેક્ટરના અનેક ચીફ એક્ઝિક્યૂટિવ્સ સાથે રાઉન્ડ ટેબલ મંત્રણા કરશે.

અમેરિકાના સંસદસભ્યો સાથે પણ એમનો વાર્તાલાપ સત્ર યોજાશે.

અમેરિકા પ્રવાસમાં મોદી 22 સપ્ટેંબરની સવારે હ્યુસ્ટનમાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત ‘હાઉડી મોદી’ સમ્માન સમારંભમાં હાજરી આપશે. એ કાર્યક્રમમાં એમની સાથે યુએસ પ્રમુખ ટ્રમ્પ પણ હાજર રહેવાના છે.

23 સપ્ટેંબરે અનેક કાર્યક્રમો યોજાવાના છે. યુએન સંસ્થાના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસ દ્વારા ક્લાયમેટ સમિટનું આયોજન કરાશે. મોદી એમાં હાજરી આપશે.

24 સપ્ટેંબરે મહાત્મા ગાંધીની 150મી જન્મતિથિને લગતો કાર્યક્રમ યોજાશે એનું આયોજન ભારત કરશે. એમાં મોદીની સાથે ન્યૂઝીલેન્ડ, સાઉથ કોરિયા, સિંગાપોર જેવા દેશોના વડાઓ સામેલ થશે. એ જ કાર્યક્રમ સાથે ગાંધી સોલર પાર્કનું ઉદઘાટન પણ કરવામાં આવશે. ન્યૂયોર્કમાં યુએન મુખ્યાલયની અગાસી પર સોલર પેનલો મૂકવામાં આવશે. ભારતે એ માટે 10 લાખ ડોલરની સહાયતા કરી છે.

ન્યૂયોર્કમાં સ્ટેટ યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંધી શાંતિ ઉદ્યાનનું પણ ઉદઘાટન કરવામાં આવશે. આ ઉદઘાટનવિધિ મોદી રીમોટ કન્ટ્રોલ દ્વારા કરશે. તે ઉપરાંત મહાત્મા ગાંધીની એક ટપાલ ટિકિટનું યુએન સંસ્થા વિમોચન કરશે.

પીએમ મોદીને સ્વચ્છ ભારત ઝુંબેશ માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ખાસ સમારંભમાં એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.

તે પછીના દિવસે મોદી બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં સંબોધન કરશે, ત્યારબાદ ભારત સરકાર આયોજિત એક ઈન્વેસ્ટમેન્ટ રાઉન્ડટેબલ બેઠકમાં મોદી હાજરી આપશે જેમાં માસ્ટરકાર્ડ, વિઝા, જે.પી. મોર્ગન, લોકહીડ માર્ટિન, બેન્ક ઓફ અમેરિકા, વોલમાર્ટ જેવી કંપનીઓનાં અધિકારીઓ હાજરી આપશે.

27 સપ્ટેંબરે UNGA સંમેલનમાં સંબોધન કર્યા બાદ મોદી ભારત આવવા રવાના થશે.

મોદીની સાથે વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ અમેરિકા જશે અને વિવિધ દેશોના વિદેશ પ્રધાનો સાથે બેઠકો યોજશે.