નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મળેલી જીત બાદ વડાપ્રધાન મોદી પર જનતાની અપેક્ષાઓનો બોજ વધી ગયો છે. એટલે કે વડાપ્રધાન મોદી પોતાના કેબિનેટ પ્રધાનોને કોઈ ઢીલ નથી આપતા ઈચ્છતા. વડાપ્રધાને નવા પ્રધાનોને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ સ્વાગત કરાવવાથી દૂર થઈને પોતાના મંત્રાલયના કાર્યોમાં જોડાઈ જાય. પ્રાપ્ત વિગતો અનુસાર પહેલા જ દિવસે બેઠકમાં વડાપ્રધાને પોતાના તમામ પ્રધાનોને કહ્યું કે એકપણ મીનિટ ગુમાવ્યા વગર, તેઓ સંબંધિત મંત્રાલયના કાર્યોમાં જોડાઈ જાય. તેમણે દિલ્હીના પ્રધાનોને દિલ્હી બહાર યાત્રા ન કરવા કહી દીધું છે.
આ દરમિયાન કેટલાક પ્રધાનો જીત બાદ પોતાના સંસદીય ક્ષેત્રના પ્રવાસે ચાલ્યા હયા હતા. પરંતુ ત્યાં જ તેમને વડાપ્રધાન કાર્યાલયથી ફોન ગયો અને તેમને દિલ્હી પાછું જવું પડ્યું. હકીકતમાં વડાપ્રધાન મોદી પોતાના દરેક પ્રધાન સાથે વન-ટુ-વન બેઠક કરવાના હતા. એટલે તમામને દિલ્હીમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
વડાપ્રધાને તમામ પ્રધાને સાથે વન-ટુ-વન બેઠક કરી અને તેમના મંત્રાલય સંબંધિત ઉદ્દેશ્યોને વિસ્તારથી સમજાવ્યા. લોકસભા ચૂંટણી જીત્યા બાદ એનડીએની બેઠકમાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કરી દીધું હતું કે સરકારમાં પ્રધાનોની જવાબદારી સેવાની છે, એટલે દરેકે પોતાનું યોગદાન આપવાનું રહેશે.