મોદીએ જેની જાહેરાત કરી એ સ્વામિત્વ યોજના શું છે?

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પ્રસંગે દેશના સરપંચોની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ લગભગ દોઢ કલાક ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું કે કોરોનાવાઈરસે આપણી સમક્ષ ઘણી મુશ્કેલીઓ સર્જી છે. મહામારીએ એ બોધ આપ્યો છે કે દેશને હવે આત્મનિર્ભર બનવું જ પડશે. બે ફુટનું અંતર રાખીને તમે લોકોએ વિશ્વને આ બીમારી સામે લડવાનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાને ઈ-સ્વરાજ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ પણ આજે લોન્ચ કરી હતી. તેમાં પંચાયત સાથે જોડાયેલી તમામ માહિતીઓ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત ગામડાંની મિલ્કતના લેખાજોખા માટે સ્વામિત્વ યોજનાની પણ જાહેરાત કરી છે. આવો, જાણીએ શું છે સ્વામિત્વ યોજના?

પીએમ મોદીએ કહ્યું કે, ગામડાઓમાં સંપત્તિને લઈને ઝઘડા થતા રહે છે એનું સૌથી મોટું કારણ એ હોય છે કે, તેનું કોઈ લખાણ નથી હોતું. હવે આ યોજના હેઠળ ડ્રોન મારફતે દરેક ગામની જમીનની માપણી કરવામાં આવશે ત્યારપછી જમીન માલિકીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ હશે કે પહેલા ગામડાંની જમીન પર બેંકમાંથી લોન મળતી ન હતી પણ હવે જમીનનું પ્રમાણપત્ર ઈશ્યુ થયા બાદ એ સંપત્તિ પર લોન મળી શકશે.

સ્વામિત્વ યોજના

  • સ્વામિત્વ યોજના ગામડાઓમાં સંપત્તિ વિવાદ ખતમ કરવા માટેનો એક પ્રયત્ન છે.
  • આ યોજના હેઠળ દેશના તમામ ગામડાં ડ્રોનના માધ્યમથી ગામની દરેક સંપત્તિનું મેપિંગ કરવામાં આવશે.
  • મેપિંગના આધારે તે સંપત્તિના માલિકી હકનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • જેના દ્વારા નાગરિકો શહેરની જેમ જ ગામડામાં પણ લોન લઈ શકશે
  • હાલ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આ યોજનાની પ્રાથમિક રીતે શરૂઆત કરવામાં આવી રહી છે.

 

આશા છે કે, આ યોજના મારફતે ગ્રામિણ વિસ્તારોના સામાજીક જીવન પર મોટી અસર પડશે. બેંકો પાસેથી લોન લઈને ગામડાંના લોકો પણ પોતાનું કામ શરું કરી શકશે.

ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ

  • ભારત સરકારના પંચાયત રાજ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ઈ-ગ્રામ સ્વરાજ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં ભારતના ગ્રામીણ વિસ્તારો સંલગ્ન તમામ જાણકારીઓ એક સાથે મળશે.
  • અહીં ગ્રામ પંચાયતોની પ્રોફાઈલ, ગ્રામ પંચાયતોના વિકાસ માટે પ્લાનિંગ, બજેટ અને તેમના એકાઉન્ટિંગ સહિતનું આધુનિક ડેશબોર્ડ મળશે.
  • ગ્રામ પંચાયતની વિકાસ યોજના માટે આ એક સિંગલ પ્લેટફોર્મ હશે.
  • તેના દ્વારા ગામડાઓ માટે વિકાસ યોજના તૈયાર કરવી અને લાગુ કરવી સરળ રહેશે.