લખનઉ – ઉત્તર પ્રદેશ પોલીસની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ભ્રષ્ટાચાર અને લાંચના આરોપસર રાજ્યના ત્રણ પ્રધાનના અંગત સચિવોની ધરપકડ કરી છે. આ ત્રણ પ્રધાનો છે – અર્ચના ત્રિપાઠી, સંદીપ સિંહ અને ઓમ પ્રકાશ રાજભર.
ઉત્તર પ્રદેશ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે સચિવાલયના સ્ટાફ સભ્યો વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા મળતાં એમની ધરપકડ કરવામાં આવી છે અને એમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન (યોગી આદિત્યનાથ) ભ્રષ્ટાચારની સખત વિરુદ્ધમાં છે.
ઉલ્લેખનીય છે કે, એક ન્યૂઝ ચેનલે હાથ ધરેલા એક સ્ટિંગ ઓપરેશનને પગલે ભ્રષ્ટાચારના આરોપ થયા બાદ ત્રણ સચિવોને ગઈ 28 ડિસેંબરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
સરકારી અખબારી યાદીમાં જણાવાયું છે કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના આદેશોને પગલે ત્રણેય સચિવોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્રણેય અધિકારી સામે પોલીસ કેસ નોંધવાનો પણ યોગીએ આદેશ આપ્યો હતો.
આદિત્યનાથના આદેશ અનુસાર, વિશેષ તપાસ ટૂકડી આ કેસમાં તમામ સંબંધિત વ્યક્તિઓના નિવેદનો લઈને 10 દિવસમાં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે.
વિશેષ તપાસ ટૂકડીની આગેવાની અતિરિક્ત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (લખનઉ ઝોન) રાજીવ ક્રિષ્નાએ લીધી છે.
એક ટીવી ન્યૂઝ ચેનલે હાથ ધરેલા એક સ્ટિંગ ઓપરેશનમાં જોવા મળ્યું છે કે ત્રણ પ્રધાનોના અંગત સચિવો બદલી કરવા તેમજ કોન્ટ્રાક્ટ ઈસ્યૂ કરવા જેવી અમુક ફેવરના બદલામાં કથિતપણે લાંચ માગતા હતા.
સ્ટિંગ ઓપરેશનમાં બતાવ્યા મુજબ, રાજ્યના બેકવર્ડ વેલ્ફેર પ્રધાન ઓમ પ્રકાશ રાજભરના અંગત સચિવ ઓમ પ્રકાશ કશ્યપ એક જણની બદલીના બદલામાં રૂ. 40 લાખની લાંચ માગતા હોવાનું મનાય છે.
રાજભર સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના છે. એમણે કહ્યું કે પોતે એમના અંગત સચિવને પદ પરથી હટાવી દીધી હતા અને એમની સામે કડક પગલું ભરવાનું મુખ્ય પ્રધાનને લેખિતમાં જણાવ્યું હતું.