ગાઢ ધુમ્મસના કારણે મોડી ચાલી રહી છે ટ્રેનો, વિમાન સેવાને પણ અસર

નવી દિલ્હીઃ ગાઢ ધુમ્મસના અને અત્યંત ખરાબ વિઝિબલીટીના કારણે રેલવે અને વિમાની સેવાઓને અસર પહોંચી છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર આવનારી આશરે 13 જેટલી ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી પહોંચી હતી. તો ઈન્દિરાગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવનારા અને જનારા વિમાનોને પણ ધુમ્મસના કારણે અસર પહોંચી હતી. તો બેંગલુરુમાં કેંપેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવનારી અને અહીંયાથી જનારી આશરે 20 ફ્લાઈટ મોડી પહોંચી હતી. ગાઢ ધુમ્મસના કારણે અહીંયા વિમાનને ટેકઓફ અને લેન્ડિંગમાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.  

રાજધાની દિલ્હીમાં આજે વાયુગુણવત્તા અત્યંત ખરાબ નોંધાઈ હતી. એર ક્વાલિટી ઈન્ડેક્સના આંકડાઓ અનુસાર આઈજીઆઈ એરપોર્ટની આજુ-બાજુ વાળા વિસ્તારમાં પીએમ 2.5 222 પર રહ્યો અને પીએમ 10 221 નોંધાયો. આવું ત્યારે થયું જ્યારે વરસાદ પડ્યો હતો.

તો બીજી તરફ વધી રહેલી ઠંડી અને ઠંડા પવનોના કારણે ગાઝિયાબાદમાં 12 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડીએમના આદેશ બાદ જિલ્લાની તમામ સરકારી અને માન્યતા પ્રાપ્ત શાળાઓ 12 જાન્યુઆરી સુધી બંધ રહેશે જ્યારે સહારનપુર, શામલી અને બિજનૌરમાં પણ શાળાઓની રજા જાહેર કરી દેવામાં આવી છે.

હકીકતમાં જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષાને લઈને ઠંડીમાં વધારો થયો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર પહાડી વિસ્તારોમાં 9 જાન્યુઆરી સુધીમાં હિમપાતથી રાહત મળશે. આ પહેલા શનિવારે પણ દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને નહિવત્ત વિઝિબલીટીના કારણે ટ્રેનો ત્રણ કલાક સુધી મોડી પડી હતી.