નવી દિલ્હીઃ દંતકથાસમાન ભારતીય નૃત્યકાર અને કથક નૃત્યના ગુરુ પંડિત બિરજુ મહારાજ (બ્રિજમોહન નાથ મિશ્રા મહારાજ)નું ગઈ મોડી રાતે (17 જાન્યુઆરી) નિધન થયું છે. એ 83 વર્ષના હતા. એમને હાર્ટ એટેક આવ્યો હતો. મોડી રાત સુધી તેઓ એમના પૌત્રની સાથે રમતા હતા. ત્યાં અચાનક એમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને બેશુદ્ધ થઈ ગયા હતા. એમના પરિવારજનો એમને તરત જ દિલ્હીની સાકેત હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ એમને મૃત ઘોષિત કર્યા હતા. પંડિત બિરજુ મહારાજના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મિડિયા મારફત આ દુઃખદ સમાચાર આપ્યા હતા. બિરજુ મહારાજને કિડનીની તકલીફ હતી અને ડાયાલિસીસ પર હતા.
બિરજુ મહારાજ કાલકા-બિન્દાદીન ઘરાનાના નૃત્યકાર હતા. એ કથક નૃતકોના પરિવારમાંથી આવતા હતા. એમના કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ નૃત્યકાર હતા. એમના પિતા અચ્છન મહારાજ એમના ગુરુ હતા. અચ્છન મહારાજ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના મોટા કલાકાર હતા. પંડિત બિરજુ મહારાજ દેશના અગ્રગણ્ય કથક નૃત્યકારોમાંના એક હતા. અનેક દાયકાઓથી તેઓ નૃત્યકળા જગતમાં સમ્માનિત રહ્યા છે. કથક નૃત્યના માધ્યમથી સામાજિક સંદેશ પ્રસારિત કરવા માટે બિરજુ મહારાજને કાયમ યાદ કરવામાં આવશે. ઠુમરા, દાદરા, ભજન અને ગઝલ પર એમનું પ્રભુત્વ હતું. ભારત સરકારે પંડિત બિરજુ મહારાજને દેશના બીજા નંબરના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ‘પદ્મ વિભૂષણ’થી સમ્માનિત કર્યા હતા. 28 વર્ષની ઉંમરે બિરજુ મહારાજે ‘સંગીત નાટક એકેડેમી એવોર્ડ’ મેળવ્યો હતો. તેઓ અચ્છા કોરિયોગ્રાફર પણ હતા. 1977માં સત્યજીત રેની હિન્દી ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’માં એમણે સંગીત આપ્યું હતું અને બે શાસ્ત્રીય નૃત્ય ગીત માટે પોતાનો સ્વર પણ આપ્યો હતો.
