જવાનોના ભોજનમાં ઝેર ભેળવી શકે છે ISI : ગુપ્તચર તંત્રનો રીપોર્ટ

નવી દિલ્હી- પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI કશ્મીરમાં તહેનાત ભારતીય સુરક્ષાદળોના ભોજનમાં ઝેર ભેળવી શકે છે. તેમ ભારતીય ગુપ્તચર વિભાગના એક રીપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ ગુપ્ત રીપોર્ટમાં સુરક્ષાદળોને આ જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન મિલિટિરી ઈન્ટેલિજન્સ અને આઈએસઆઈ કશ્મીરમાં તહેનાત ભારતીય જવાનોના ભોજનમાં ઝેર ભેળવીને સુરક્ષાદળોને મોટું નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યાં છે.

 

આ ગુપ્ત રિપોર્ટ બાદ સુરક્ષા દળોને સાવધ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સુરક્ષાદળોના કેમ્પમાં રાશન ડેપોની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. સાથે જ કશ્મીર સપ્લાઈ કરવામાં આવતા રાશનનું સઘન ચેંકિંગ કરવાના આદેશ પણ આપવામાં આવ્યાં છે.

 

તમને જણાવી દઈએ કે, ગુપ્તચર વિભાગનો આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ચરમસીમાએ છે. સરહદ પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગત 14 ફેબ્રુઆરીના રોજ પુલાવામાં થયેલા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ તણાવ ઉભો થયો હતો. આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. જેના જવાબમાં ભારતીય વાયુ સેનાએ ગત 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનની હદમાં આવેલા બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંરી કેમ્પો પર હુમલો એર સ્ટ્રાઈક કરી હતી.