નવી દિલ્હી- ભારતીય સરહદમાં પાકિસ્તાન લડાકુ વિમાનોએ આજે ઘૂસણખોરી કરી હતી. જેના જવાબમાં ભારતે એક પાકિસ્તાની ફાઈટર જેટ એફ-16ને તોડી પાડ્યું હતું. પરંતુ આ દરમિયાન ભારતના એક ફાઈટર પ્લેન પર પાકિસ્તાને હુમલો કર્યો જે એલઓસી નજીક તૂટી પડ્યું હતું.. પાકિસ્તાને દાવો કર્યો છે કે, ભારતનો એક પાયલોટ તેમના કબ્જામાં છે. ભારત સરકારે પણ તેમનો એક પાયલોટ લાપતા હોવાની વાત સ્વીકારી છે.તેમ જ પાકિસ્તાનના દાવાની સત્યતા ચકાસવાનું જણાવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ભારતની એરસ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાને એક્શન લીધું છે. જેની વળતી કાર્યવાહીમાં ભારતનું એક મિગ વિમાન ધ્વસ્ત થઈ ગયું છે, અને અમારો એક પાયલોટ લાપતા છે. હાલ તેની તપાસ ચાલી રહી છે.
જાણો યુદ્ધ કેદીઓ માટેના નિયમો
આંતરરાષ્ટ્રીય જિનેવા સંધિમાં યુદ્ધ કેદીઓને લઈને નિયમો બનાવવામાં આવ્યાં છે. જે હેઠળ યુદ્ધના કેદીઓને ભયભીત કરવાનું કામ કે, તેમનું અપમાન ન કરી શકે. યુદ્ધ કેદીઓને લઈને લોકોમાં ઉત્સુક્તા પણ પેદા ન કરી શકે.
જીનેવા સંધિ મુજબ, યુદ્ધ કેદીઓ પર કાં તો કેસ દાખલ કરવામાં આવે અથવા તો યુદ્ધ બાદ કેદીને તેમના દેશને પરત સોંપી દેવામાં આવે. પકડાય જવા પર યુદ્ધ કેદીઓએ તેમનું નામ, સૈન્ય પદ, અને નંબરની જાણકારી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.જોકે, વિશ્વના કેટલાક દેશોએ જીનેવા સંધિનું ઉલ્લંઘન પણ કર્યું છે. જીનેવા સંધિનો સામાન્ય રીતે મતલબ બીજા વિશ્વ યુદ્ધ બાદ 1949માં તૈયાર કરેલી સંધિઓ અને નિયમો સાથે છે. આ સંધિનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધના સમયે માનવીય મૂલ્યોને કાયમ રાખવા માટે કાયદો ઘડવાનો હતો.