દેશમાં છેલ્લાં 62 વર્ષોમાં 38,000થી વધુ રેલવે અકસ્માતો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં મોટી રેલવે દુર્ઘટના બની છે, જેમાં 15 લોકોનાં મોત અને આશરે 60 લોકો ઘાયલ થયા છે. જલપાઇગુડી સ્ટેશનની પાસે માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારતાં બે ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. રેલવેએ જીવ ગુમાવનારા યાત્રીઓના પરિવારજનનોને 10-10 લાખની આર્થિક મદદનું એલાન કર્યું છે, જ્યારે ગંભીર રૂપથી ઘાયલોને રૂ. 2.5 લાખ અને ઓછા ઇજાગ્રસ્તોને રૂ. 50-50,000ની આર્થિક મદદનું એલાન કર્યું છે, એમ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

પ્રતિ વર્ષ કેટલા અકસ્માત?

વર્ષ 2004થી 2014ની વચ્ચે પ્રતિ વર્ષ સરેરાષ 171 અકસ્માતો થયા હતા, જ્યારે 2014થી 2024ની વચ્ચે વાર્ષિક સરેરાશ 71 રેલવે દુર્ઘટનાઓ ઘટી હતી, એમ સરકારનો દાવો છે.

રેલવેના જણાવ્યાનુસાર 1960-61થી 1970-71ના દાયકામાં 14,769 ટ્રેન અકસ્માતો થયા હતા. વર્ષ 2004-5થી 2014-15ની વચ્ચે 1844 રેલ અકસ્માતો થયા હતા, જ્યારે 2015-16થી 2021-22ની વચ્ચે છ વર્ષોમાં 449 ટ્રેન અકસ્માતો થયા હતા. આમ 1960થી માંડીને 2022 સુધી 62 વર્ષોમાં કુલ 38,672 રેલ અકસ્માતો થયા હતા. એટલે કે પ્રતિ વર્ષ સરેરાશ 600થી વધુ અકસ્માતો થયા હતા. વળી, સૌથી વધુ અકસ્માતો ડિરેલમેન્ટ અથવા ટ્રેન પાટા પરથી ખડી પડવાને કારણે થાય છે. વર્ષ 2017-18થી 2021-22 દરમ્યાન પાંચ વર્ષમાં રેલવે અકસ્માતોમાં 53 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 390 લોકો ઘાયલ થયા હતા.

રેલવે અકસ્માતોમાં માર્યા ગયેલા અથવા ઘાયલોને રેલવે તરફથી રેલવેએ અત્યાર સુધી આશરે 14 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે. રેલવે દુર્ઘટનાઓમાં મોત થયા પર રૂ. પાંચ લાખ, ગંભીર રીતે ઘાયલ થવા પર રૂ. 2.5 લાખ અને ઘાયલ થવા પર રૂ. 50,000નું વળતર ચૂકવવામાં આવે છે.  

,