નવી દિલ્હીઃ ભારતથી ભાગેલા આરોપી નિત્યાનંદે કથિત રીતે દક્ષિણ અમેરિકી દેશ ઈક્વાડોરથી એક દ્વીપ ખરીદીને પોતાનો અલગ જ દેશ વસાવી લીધો છે. આટલું જ નહી પરંતુ તેણે એક વેબસાઈટ જાહેર કરી છે અને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવેલા કૈલાસા દેશની નાગરિકતા, પાસપોર્ટ સહિત તમામ જાણકારીઓ આપી છે. આખરે કેવી રીતે તેણે દ્વીપ ખરીદ્યો અને કેવી રીતે પોતાનો અલગ જ દેશ બનાવી દીધો અને શું સાચે જ આવું કરી શકાય?
હકીકતમાં દક્ષિણ અમેરિકામાં ઈક્વાડોર સહિત ઘણા એવા દ્વીપીય દેશો છે કે જ્યાં કોઈપણ વ્યક્તિ દ્વીપ ખરીદી શકે છે. દ્વીપ ખરીદવો તે કોઈ જમીન ખરીદવા જેવું જ છે. ભાગેડુ રેપ આરોપી નિત્યાનંદે પણ ઈક્વાડોરમાં દ્વીપ ખરીદ્યો છે અને તેનું નામ કૈલાસા રાખ્યું છે.
નિત્યાનંદે પોતાના કથિત દેશ “કૈલાસા” ની જે વેબસાઈટ જાહેર કરી છે તેમાં પાસપોર્ટ મામલે વિગતો પણ જાહેર કરવામાં આવી છે. આને “પારપત્રમ” નામ આપવામાં આવ્યું છે અને અંગ્રેજીમાં પાસપોર્ટ પણ લખવામાં આવ્યું છે.
વેબસાઈટ અનુસાર નિત્યાનંદે કૈલાસામાં કેબિનેટની પણ નિમણૂંક કરી લીધી છે, જેની અંતર્ગત સ્વાસ્થ્ય, શિક્ષણ, ટેક્નોલોજી, હાઉસિંગ જેવા વિભાગો આવે છે. જો કે નાગરિકતાની કોલમમાં આધ્યાત્મિક નાગરિકતાની વાત કરવામાં આવી છે. સ્પષ્ટ છે કે નિત્યાનંદના કથિત દેશમાં ત્યાં રહી શકાય તેવી કોઈ સુવિધા નથી.
નિત્યાનંદે પોતાના આ કથિત દેશનો એક ફ્લેગ પણ જાહેર કર્યો છે, જે ત્રિકોણ આકારનો છે. આમાં તેનો પોતાનો ફોટો પણ છે અને તેણે પોતાને પરમશિવ ગણાવ્યા છે. આ ફ્લેગને તેણે ઋષભધ્વજ નામ આપ્યું છે, જેના પર નંદીનો ફોટો પણ છે.