નવી દિલ્હી: બળાત્કાર અને યૌન શોષણનો આરોપી અને પોતાની જાતને ભગવાન કહેતો ફરતો નિત્યાનંદ હાલ ફરાર છે. પોલીસ અને તપાસ એજન્સીઓ તેમની શોધખોળ કરી રહી છે. આ દરમ્યાના તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે, તેમને કોઈ હાથ પણ નહીં અડાવી શકે અને ન તો કોઈ અદાલત તેમના પર કાર્યવાહી કરી શકે. વિડિયોમાં તે પોતાને પરમેશ્વર અને શિવ ગણાવી રહ્યો છે. મહત્વનું છે કે, નિત્યાનંદ બાળકોના અપહરણ અને અમદાવાદ સ્થિત તેમના આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના મામલે ગુજરાત પોલીસના ચોપડે વોન્ટેડ છે.
વિડીયોમાં નિત્યાનંદ કહે છે, સમગ્ર દુનિયા મારી વિરુદ્ધ છે. હું તેમને કહું છું કે, નિત્યાનંદ સામે ન ચડો. પણ જો તમે અહીં આવીને મને તમારી નિષ્ઠા દેખાડશો તો હું તમને વાસ્તવિકતા અને હકીકતનો ખુલાસો કરીને મારી નિષ્ઠા દેખાડીશ. હું પરમ શિવ છું. હકીકતનો ખુલાસો કરવા માટે કોઈ મુર્ખ અદાલત મારા પર કાર્યવાહી નહીં કરી શકે.
મહત્વનું છે કે, પહેલા એવા સમાચાર હતા કે, નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો છે અને તેમણે લેટિન અમેરિકાના ઈક્વાડોરમાં એક દ્વીપ ખરીદીને તેને એક સંપ્રભુ હિન્દુ રાષ્ટ્ર જાહેર કરી દીધું છે. તેનું નામ તેણે કૈલાસા રાખ્યું છે. પણ હવે ઈક્વાડોર સરકારે શુક્રવારે એ વાતને નકારી કાઢતા કહ્યું કે, તેમણે દુષ્કર્મ અને અપહરણના મામલે ભારતમાંથી ફરાર નિત્યાનંદને આશ્રય નથી આપ્યો અને ન તો દક્ષિણ અમેરિકન દેશમાં જમીન ખરીદવામાં તેમને કોઈ પણ પ્રકારની મદદ કરી.
ઈક્વાડોર સરકારનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેમણે નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરી દીધો છે અને તમામ વિદેશી દૂતાવાસોને તેમની હલચલ પર નજર રાખવા કહ્યું છે. ઈક્વાડોર દૂતાવાસે એક નિવેદનમાં કહ્યું કે, દેશે નિત્યાનંદના શરણના આગ્રહને ફગાવી દીધો હતો અને તેમને હૈતી જવા માટે દેશ છોડી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદનું સાચુ નામ રાજશેખરન છે અને તે તમિલનાડુનો રહેવાસી છે. તેમણે વર્ષ 2000માં બેગ્લુરુની નજીક એક આશ્રમ ખોલ્યો હતો. કહેવામાં આવે છે કે, તેમની શિક્ષા ઓશો રજનીશની શિક્ષાઓ પર આધારિત હતી. રિપોર્ટ અનુસાર નિત્યાનંદ વિરુદ્ધ ફ્રાંસના અધિકારીઓ પણ ચાર લાખ ડોલરની કથિત છેતકપિંડી મામલે તપાસ કરી રહ્યા છે. ગયા મહિને નિત્યાનંદ વિરુદ્ધ તેમના અમદાવાદ સ્થિત આશ્રમમાંથી બે છોકરીઓ ગૂમ થવા મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.