જયપુર – મહિલા સશક્તિકરણ માટે વપરાતા વિશિષ્ટ શબ્દ ‘નારી શક્તિ’ને ઓક્સફર્ડ ડિક્ષનરીએ વર્ષ 2018ના ઉત્તમ હિન્દી શબ્દ તરીકે ઘોષિત કર્યો છે. આ શબ્દએ વીતી ગયેલા વર્ષમાં વ્યાપકપણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું એને ધ્યાનમાં લઈને ઓક્સફર્ડ ડિક્ષનરીએ તેને વર્ષનો ઉત્તમ હિન્દી શબ્દ જાહેર કર્યો છે.
‘નારી શક્તિ’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી અપનાવવામાં આવ્યો છે. નારી એટલે મહિલાઓ અને શક્તિ એટલે તાકાત. મહિલાઓ એમનાં જીવનમાં પૂરી શક્તિ સાથે પડકારોને જે સફળતાપૂર્વક ઝીલી લે છે એનાં પ્રતિક તરીકે નારી શક્તિ શબ્દ વપરાય છે.
ઓક્સફર્ડ ડિક્ષનરીમાં નારી શક્તિને વર્ષ 2018ના હિન્દી શબ્દ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હોવાની જાહેરાત જયપુર સાહિત્ય મહોત્સવમાં કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકારે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારી શક્તિ પુરસ્કારની સ્થાપના કરીને દુનિયાભરના દેશોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ઓક્સફર્ડ ડિક્ષનરીઝ લેન્ગવેજ વિભાગનાં પ્રણેતા કૃતિકા અગ્રવાલે કહ્યું કે નારી શક્તિ અથવા મહિલા શક્તિ શબ્દ વર્ષ 2018માં ખૂબ પ્રસિદ્ધ થયો છે. આ એક પ્રકારની લાગણી છે અને એ લાગણીને વર્ષ 2019માં આગળ વધારવામાં આવી છે. નારી શક્તિ એક એવી ઝૂંબેશ છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ, બંને સંકળાયેલાં છે.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નારી શક્તિને ધ્યાનમાં રાખીને બે મહત્ત્વનાં નિર્ણય લીધા હતા. મુસ્લિમ સમાજમાં ટ્રિપલ તલાક અથવા ઈન્સ્ટન્ટ છૂટાછેડાની પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ પર મૂકાયેલા પ્રતિબંધને ઉઠાવી લીધો હતો.
ઓક્સફર્ડ ડિક્ષનરીઝની ભારતમાંની ટીમે ભાષાનાં નિષ્ણાતોની સલાહકાર સમિતિની મદદ સાથે નારી શક્તિને વર્ષનો શ્રેષ્ઠ શબ્દ તરીકે પસંદ કર્યો છે.