‘પદ્મ શ્રી’ પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કરતાં લેખિકા, જણાવ્યું સમય યોગ્ય નથી

ન્યૂયોર્ક- પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ જાહેર થયેલાં પદ્મ પુરસ્કારોની શ્રેણીના પદ્મશ્રી પુરસ્કારના એક વિજેતાએ તેમને માટે જાહેર કરાયેલો પુરસ્કાર સ્વીકારવાની ના પાડી દીધી છે. પદ્મ શ્રી પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કરનાર લેખિકા ગીતા મહેતા છે, જેઓ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાઈકના બહેન થાય છે.

લેખિકા ગીતા મહેતાએ સરકાર તરફથી આપવામાં આવેલા પદ્મ શ્રી સન્માન સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર મહેતાને આ સન્માનથી નવાજવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને ન્યૂયોર્કમાં રહેતા લેખિકાએ કહ્યું કે લોકસભા ચૂંટણીના થોડાક જ મહિના પહેલા આપવામાં આવેલા આ સન્માનથી ખોટો સંદેશ જશે. મહેતાએ આ સંબંધમાં એક નિવેદન જાહેર કરી કહ્યું કે આ પગલું સરકાર અને તેમના માટે શરમમાં મૂકવા સમાન બની શકે છે.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા ગીતા અને તેમના પતિ સોની મહેતાએ કથિત રીતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. લગભગ દોઢ કલાક ચાલેલી આ મુલાકાતને લોકસભા ચૂંટણી પહેલા નવીન પટનાયકને ભાજપના નજીક લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી હતી

ગીતા મહેતાએ પોતાના નિવદેનમાં કહ્યું કે, હું આ વાતથી ખૂબ સન્માનિત અનુભવી રહી છું કે સરકારને મને પદ્મ શ્રી જેવા સન્માનને લાયક સમજી, પરંતુ મને ખૂબ જ અફસોસ સાથે તેને લેવાનો અસ્વીકાર કરવો પડી રહ્યો છે. દેશમાં લોકસભા ચૂંટણી નજીકમાં છે અને એવોર્ડના ટાઇમિંગથી સમાજમાં ખોટો સંદેશ જશે, જે મારા અને સરકાર બંને માટે શરમમની વાત હશે. તેનો મને હંમેશા અફસોસ રહેશે.