નવી દિલ્હી- મુઝ્ઝફરપુર સેલ્ટર હોમ કેસમાં સીબીઆઇ તરફથી વિશેષ પૉક્સો કોર્ટમાં દાખલ કરવામાં આવેલ 73 પાનાના ચાર્જશીટમાં બ્રજેશ ઠાકુર, રવિ રોશન, વિકાસકુમાર, દિલીપકુમાર વર્મા, રાજી રાણી અને અન્ય ઘણા પર ગંભીર અને સંયુકત આરોપ લાગ્યા છે. ચાર્જશીટમાં બે આરોપીને ટ્રેસલેસ જણાવવામાં આવ્યા છે. એ પણ ખુલાસો થયો છે કે બ્રજેશ બાળકીઓને અશ્લીલ ગીતો પર ડાન્સ કરાવતો અને પછી દુષ્કર્મ કરતો હતો. વિરોધ કરવાના કારણે બ્રજેશની સહયોગી મધુ બાળકોને ખાવામાં સૂકી રોટલી અને મીઠું આપતી હતી.
તદુપરાંત તત્કાલીન સહાયક નિર્દેશક રાજી રાણી પર બાલિકાગૃહમાં થઈ રહેલ હિંસક ઘટનાઓ અને જાતીય સતામણીની માહિતી હોવા છતાં મુખ્યાલય અને જિલ્લા વહીવટને તેના અહેવાલો સોંપવામાં આવ્યા નથી. સીબીઆઇએ પણ ટીપ્પણી કરી છે. બાલિકા ગૃહકાંડની તપાસ કરી રહેલા ઇન્સપેક્ટર વિભાકુમારીએ ચાર્જશીટમાં રોજી રાણી પર ટીપ્પણી કરતા કહ્યું છે કે જિલ્લા બાળ સંરક્ષણ વિભાગના સહાયક નિર્દેશક થઈને રાજી રાણીએ પોતાની ફરજોનું પાલન કર્યું નથી.
ચાર્જશીટ મુજબ, રાજી રાણી 19મે 2014થી 03 ઑગસ્ટ 2017 સુધીમાં મુજફફરપુરમાં જિલ્લા રક્ષણ વિભાગમાં સહાયક ડિરેક્ટરના પદ પર હતા. આ દરમિયાન જિલ્લા નિરીક્ષણ ટીમે 11 વખત આ ગૃહનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ ટીમમાં રાણી પણ સામેલ હતી. આ દરમિયાન બાલિકા ગૃહમાં રહેતી બાળાઓએ રાણીને પોતાની પીડા જણાવી હતી.
બાળાઓએ નિરીક્ષણ દરમિયાન રાજીને ઘરની પરિસ્થિતિ અને માહોલ વિશે જણાવ્યું હતું. સાથે સાથે આ બાબતની માહિતી પણ આપવામાં આવી હતી કે અહી રહેનારી બાળાઓ સાથે બ્રજેશ ઠાકુર, રવિ રોશન અને વિકાસકુમારે દુષ્કર્મ કર્યું છે. તેમ જ બાળાઓને મારી પણ હતી. આ શિકાયત છતાં પણ રાણીએ બાળાઓને બચાવવા માટે કોઈ નક્કર પગલું ઉઠાવ્યું નથી. સાથે સાથે ઑલ ઇઝ વેલનો રિપોર્ટ મુખ્યાલય અને જિલ્લા પ્રશાસનને સોંપી દીધો.