તામિલનાડુના સમુદ્રમાંથી 14 કિલોથી વધુ સોનાનાં દાણચોરીનાં બિસ્કિટ મળ્યાં

મદુરાઈઃ તામિલનાડુના મન્નાર ખાડીમાં ડાઇવર્સોને ઊંડાં પાણીમાં 14 કિલોથી પણ વધુનું દાણચોરીનું સોનું મળ્યું છે. આ કદાચ એવો પહેલો મામલો છે કે જ્યાં સમુદ્રના ઊંડા પાણીની અંદરથી સોનાની દાણચોરીનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ISG) અને રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની સંયુક્ત ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. અહીં મન્નાર ખાડીમાં 14 કિલોથી વધુ વજનવાળા સોનાનાં બિસ્કિટ એક કપડામાં વીંટાળેલા મળી આવ્યાં હતાં. આ સોનાના બિસ્કિટની કિંમત રૂ. છથી સાડાછ કરોડ આંકવામાં આવે છે. બે કલાક સુધી ચાલેલા આ અભિયાનમાં સમુદ્રમાં 14.5થી 16.5 ફૂટ અંદર સોનાનાં બિસ્કિટ મળ્યાં હતાં.

 જાસૂસી તંત્રો દ્વારા ઇનપુટ મળ્યા

આઇસીજીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને જાસૂસી તંત્રો દ્વારા ઇનપુટ મળ્યા હતા, જેને આધારે મંગળવારે સમુદ્રની અંદર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ગુપ્ત સૂત્રો અનુસાર શ્રીલંકાથી આ સોનું દાણચોરીથી લાવવામાં આવતું હતું. તામિલનાડુના રામનાથપુરમ સોનું લાવવામાં આવ્યું હતું. બપોરે આશરે અઢી વાગ્યે બે લોકોને અનરજિસ્ટ્રડ બોટથી ધરપકડ કરવામાં આવી હતી.

 શંકાને આધારે સોનું મળ્યું

આ ઓપરેશનમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે અમને શંકા હતી કે તેમણે અમને જોઈને સમુદ્રમાં કંઇક ફેક્યું, કેમ તેમની બોટમાં માછલી નહોતી. જાળ પણ સુકાયેલી હતી અને પેક કરીને રાખવામાં આવી હતી. ફિશિંગના પણ કોઈ સંકેત મળતા નહોતા.