મુંબઈ – એક એવા નિરાશાજનક સમાચાર છે કે આ વર્ષે વરસાદ ઓછો પડશે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહે એવી સંભાવના છે એવી આગાહી ખાનગી વેધશાળા સ્કાયમેટે આજે કરી છે.
ભારતમાં જૂન અને સપ્ટેંબર મહિનાઓ વચ્ચે ચોમાસાની ઋતુનો વરસાદ પડતો હોય છે.
લાંબા સમયગાળાની સરેરાશ (લોન્ગ પીરિયડ એવરેજ – LPA)ની સામે ચોમાસું 93 ટકા રહેવાની સંભાવના છે, એમ સ્કાયમેટ એજન્સીએ કહ્યું છે.
LPAના 90-95 ટકાની વચ્ચે આવે તો એ ચોમાસું સામાન્ય કરતાં ઓછાની કેટેગરીમાં ગણાય.
સ્કાયમેટના સીઈઓ જતિન સિંહના જણાવ્યા મુજબ, અલ નિનો પરિબળને કારણે આ વર્ષે ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડે એવી ધારણા છે.
LPA એટલે 1951 અને 2000ની સાલ વચ્ચેના ચોમાસાના વરસાદની સરેરાશ છે જે 89 સેન્ટીમીટર છે.
સ્કાયમેટના અંદાજ મુજબ, આ વર્ષે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની 55 ટકા શક્યતા છે.