નવી દિલ્હીઃ નવા વર્ષની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે વર્ષની શરુઆતમાં એવા સમાચારો સામે આવ્યા છે કે દેશના ઉદ્યોગોને બચાવવા માટે મોદી સરકાર એક એવો નિર્ણય કરવા જઈ રહી છે જેનાથી ચીનને નુકસાન અને ભારતને ફાયદો થવાનો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોદી સરકાર ચીનથી આયાતિત સિન્થેટિક રબર પર ડંમ્પિંગ રોધી શુલ્ક લગાવવાની તૈયારી કરી રહી છે. આ રબરનો ઉપયોગ મુખ્ય રુપે વાહન અને અન્ય ઉદ્યોગોમાં થાય છે. આ સંબંધમાં અંતિમ નિર્ણય નાણાં મંત્રાલયને કરવાનો છે.
હકીકતમાં વાણિજ્ય મંત્રાલયનો તપાસ એકમ વ્યાપાર ઉપચાર મહાનિદેશાલયે ચીનથી આયાતિત ફ્લોરોઈલાસ્ટોમર્સ કે જેને સિન્થેટિક રબર પણ કહેવાય છે તેના પર 0.078 થી 7.31 ડોલર પ્રતિ કિલોગ્રામના દરથી ડમ્પિંગ રોધી શુલ્ક લગાવવાની ભલામણ કરી છે. ડીજીટીઆર અનુસાર સિન્થેટિક રબરની આયાત પર ડમ્પિંગ રોધી શુલ્ક લગાવવો જરુરી છે. આ શુલ્ક 18 માસ માટે લગાવવામાં આવશે. પરંતુ આના પર અંતિમ નિર્ણય નાણામંત્રાલય દ્વારા કરવામાં આવશે. જાન્યુઆરી 2018માં ગુજરાત ફ્લોરોકેમિકલ્સે ફરિયાદ કરીને ડીજીટીઆરને કહ્યું હતું કે ચીનથી ઉત્પાદનનું ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે.
જો સરળ ભાષામાં સમજીએ તો બહારથી આવનારા સસ્તા માલના કારણે જો કોઈ દેશની સ્થાનિક ઈન્ડસ્ટ્રીને નુકસાન થતું હોય તો તેને બચાવવા માટે સરકાર એન્ટિ ડમ્પિંગ શુલ્ક લગાવે છે. આના કારણે બહારથી આવનારા સામાનની કીંમત વધી જાય છે અને સ્થાનિક માર્કેટથી વધારે ભાવ થઈ જાય છે. એટલે કે સરકારના આ નિર્ણયની અસર સીધી ચીનની કંપનીઓ પર પડવા જઈ રહી છે.
આ પહેલા ગત ડિસેમ્બર માસમાં પણ ભારતે ચીન વિરુદ્ધ મહત્વનો નિર્ણય લીધો હતો. હકીકતમાં ભારતે દૂધ અને દૂધથી બનેલી ચોકલેટ જેવા ખાણી-પીણીના ઉત્પાદનોની આયાત પર લગાવેલા પ્રતિબંધની સમય સીમાને વધારી દીધી છે. જો કે આ પ્રતિબંધ સપ્ટેમ્બર 2008માં લગાવવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં આ પ્રોડક્ટની આયાત પર પ્રતિબંધ ચાર મહિના એટલે કે 23 એપ્રિલ સુધી વધારવામાં આવી છે.
આશરે 10 વર્ષ પહેલા એવો રિપોર્ટ સામે આવ્યો હતો કે ચીનથી આયાત થનારી દૂધથી બનાવવામાં આવેલી પ્રોડક્ટમાં રાસાયણિક પદાર્થ મેલામાઈન મિલાવવામાં આવી રહ્યો છે. મેલામાઈન એક પ્રકારનો રસાયણિક પદાર્થ છે જેનો ઉપયોગ પ્લાસ્ટિક બનાવવા સહિતની ઔદ્યોગિક પ્રક્રિયામાં કરવામાં આવે છે. આ રસાયણના પદાર્થોના કારણે કેન્સર, લક્વા, અને કિડનીની બીમારીઓ થવાની આશંકા રહે છે. વિશ્વના અનેક દેશોમાં આ રસાયણને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.