કેરળઃ બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશનો કર્યો દાવો…

0
1190

તિરુનંતપુરમઃ કેરળની બે મહિલાઓએ સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના દર્શન કરવાનો દાવો કર્યો છે. બે મહિલાઓના આ દાવા બાદ અત્યારે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે ગત વર્ષે સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે 10-50 વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાથી ન રોકી શકાય. જો કે આ નિર્ણય બાદ પણ હજી સુધી પણ કોઈપણ પ્રતિબંધિત ઉંમરની મહિલાઓ અયપ્પા મંદિરના દર્શન કરી શકી નથી. ઘણી મહિલા કાર્યકર્તાઓએ પણ મંદિરમાં પ્રવેશ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ ભારે વિરોધને લઈને તેઓ આમ ન કરી શકી.

મીડિયા રિપોર્ટ અનુસાર બિંદુ અને કનકદુર્ગા નામની બે મહિલાઓએ દાવો કર્યો છે કે તેમણે ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. બંન્ને મહિલાઓએ એક સ્થાનિક ચેનલને જણાવ્યું કે અમે દર્શન કર્યા છે. મહિલાઓ સાથે પોલીસ પણ હતી અને તેઓ મંદિરમાં અંદર ગઈ હતી. સુરક્ષાના કારણોસર એ જાણકારી નથી આપવામાં આવી કે બંન્ને મહિલાઓ દર્શન કર્યા બાદ ક્યાં ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે બંન્ને મહિલાઓની ઉંમર 40 વર્ષથી ઓછી છે. આપને જણાવી દઈએ કે માકરાજોદુવિલૈકે (સ્થાનિક પૂજા) 14 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે અને ત્યારબાદ 20 જાન્યુઆરીના રોજ સવારે સાત વાગ્યે મંદિર બંધ કરી દેવામાં આવશે.

આ તરફ કેરળના સી.એમ પી.વિજયને પણ કહ્યું કે બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો. તેમણે કહ્યું કે સરકારે આદેશ જાહેર કર્યો છે કે જે પણ મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરવા ઈચ્છે છે તેમને પોલિસ પૂર્ણ સુરક્ષા પુરી પાડશે.

આના એક દિવસ પહેલા જ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની માંગની લઈને કેરળમાં હ્યુમન ચેઈન બનાવનારી મહિલાઓ પર કેટલાક લોકોએ પત્થરમારો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આ લોકોએ મહિલાઓ અને પોલિસકર્મચારીઓ પર પત્થરમારો કર્યો હતો જેના કારણે તે વિસ્તારમાં તણાવની સ્થિતી સર્જાઈ હતી.