નવી દિલ્હી – ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો તથા સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે અને તમામ રાજકીય પક્ષો માટે ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. રાજકીય પક્ષોએ હવે ચૂંટણી પહેલાં એમના રાજકીય પ્રચારનું નિયમન કરવું પડશે.
રાજકીય પક્ષો અને એમના ઉમેદવારોએ ચૂંટણી આચારસંહિતાનો ભંગ ન થાય એની ખાસ તકેદારી રાખવી પડશે. ચૂંટણી પંચે જે નિયમો જાહેર કર્યા છે એનું બરાબર રીતે પાલન કરવું પડશે.
વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ગઈ કાલે પત્રકાર પરિષદ વખતે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતી વખતે સ્પષ્ટપણે કહી દીધું હતું કે જે રાજકીય પક્ષો ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરશે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મોડેલ કોડ ઓફ કન્ડક્ટ (MCC)માં ચૂંટણીને લગતા તમામ પાસાંને આવરી લેવામાં આવ્યા છે જેમ કે, રાજકીય ભાષણો અને રેલીઓ, ઘોષણાપત્રો, પોલિંગ બૂથ્સ, પોર્ટફોલિઓજ, સોશિયલ મિડિયા પર પોસ્ટ કરાતી સામગ્રી વગેરે.
આમાં સૌથી મોટી જોગવાઈ છે, કેન્દ્રમાં શાસક પક્ષો તથા રાજ્ય સરકારોને કોઈ પણ પ્રકારની નવી નીતિ કે યોજનાની જાહેરાત કરવા પર પ્રતિબંધ.
દેશભરમાં લોકસભા ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય એ માટે ચૂંટણી આચારસંહિતા (MCC) લાગુ કરવામાં આવી છે. MCC અંતર્ગત પ્રધાનો ચૂંટણી પ્રચાર કરતી વખતે સત્તાવાર યંત્રણાનો ઉપયોગ કરી નહીં શકે, એમની સત્તાવાર મુલાકાતોને ચૂંટણી પ્રચાર સાથે સાંકળી નહીં શકે, ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીમાં જીતવા માટે પબ્લિસિટી કરવા માટે જાહેર નાણાંનો ઉપયોગ કરી નહીં શકે.
આનો સીધો મતલબ એ થયો કે શાસક પક્ષો પ્રચાર માટે સરકારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાનો ઉપયોગ કરી નહીં શકે.
ચૂંટણી આચારસંહિતા અનુસાર, મેદાનો જેવા જાહેર સ્થળો તથા અન્ય સુવિધાઓ શાસક તેમજ વિરોધ, બંને પ્રકારના પક્ષોને સમાન ધોરણે ઉપલબ્ધ કરાવવાના રહેશે.
શાસક સરકાર મતદારોને આકર્ષિત કરવાના ઉદ્દેશ્યથી સરકારમાં કે કોઈ પણ સરકાર હસ્તકની કંપનીમાં કોઈ પણ નવી નિમણૂક કરી નહીં શકે.
નેતાઓએ રેલીઓમાં અને ભાષણોમાં હરીફ ઉમેદવારોની ટીકા કરતી વખતે કોમી કે જાતિપ્રેરિત નિવેદનો કરી નહીં શકે. તેઓ માત્ર હરીફોનાં કાર્યોની જ ટીકા કરી શકશે.
વધુમાં, રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે કોઈ પણ ધાર્મિક સ્થળનો ઉપયોગ કરી નહીં શકે કે ધર્મનો પણ ઉપયોગ કરી નહીં શકે.
મતદાન શરૂ થવાનું હોય એનાં બે દિવસ પૂર્વે કોઈ પણ ઉમેદવાર કે રાજકીય પક્ષ જાહેર સભા યોજી નહીં શકે.