મોબાઇલના ટેરિફમાં જુલાઈથી 15થી 20 ટકાનો વધારો થવાની શક્યતા

નવી દિલ્હીઃ સ્પેક્ટ્રમની લિલામી પૂરી થયા પછી હવે ટેલિકોમ કંપનીઓનો દરો વધારવાની તૈયારી કરી રહી છે. જુલાઈથી દરો 15થી 20 ટકા સુધી વધે એવી શક્યતા છે. જુલાઈના પહેલા સપ્તાહમાં આ વધારો થાય એવી સંભાવના છે. પ્રિપેડ અને પોસ્ટપેઇડ-બંનેમાં આ વધારો કરવામાં આવે એવી શક્યતા છે.

કંપનીઓએ હવે 5Gનું મોનેટાઇઝેશન કરવાનું રહેશે. ટેલિકોમ કંપનીઓએ લિલામીમાં રૂ. 11,340 કરોડ ખર્ચ કર્યા છે. આ પહેલાં હેડલાઇન ટેરિફ ડિસેમ્બર, 2021માં વધ્યા હતા. ત્યાર બાદ કંપનીઓએ માત્ર બેઝ પેકમાં વધારો કર્યો હતો. ભારતી એરટેલ સૌથી પહેલા દરોમાં વધારો કરે એવી શક્યતા છે. એનાથી ટેલિકોમ કંપનીઓને ARPs વધારવામાં મદદ મળશે.

બીજી બાજુ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા- TRAIએ નિર્દેશ જારી કર્યા છે. એ નિર્દેશ મુજબ સ્માર્ટફોન પર કોઈનો પણ નંબર સેવ નહીં હોય તો પણ અજાણ્યા ફોનથી કોલ આવશે તો એ વ્યક્તિનું નામ સ્માર્ટફોન પર દેખાશે. ટેલિકોમ કંપનીઓએ મુંબઈ અને હરિયાણા સર્કલમાં ટ્રાયલ શરૂ કરી છે. પ્રારંભિક તબક્કામાં અત્યાર સુધી એ ટ્રાયલ સફળ રહી છે. હવે એને પૂરા દેશમાં કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન (CNP) નામની આ સુવિધા 15 જુલાઈથી શરૂ થઈ જશે. એમાં સિમ ખરીદતા સમયે KYCમાં ભરીને આપેલી માહિતીને આધારે કોલરનું નામ ડિસ્પ્લે થશે. સ્પમ, ફ્રોડ કોલ અને સાઇબર ક્રાઇમ પર લગામ કસવાના ઇરાદાથી આ સર્વિસને શરૂ કરવામાં આવી રહી છે. સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના દબાણ પછી કંપનીઓએ આ ટેસ્ટિંગ શરૂ કરી છે.