કોરોનાની આવી ભ્રામક વાતોથી રહેજો સાવધાન…

નવી દિલ્હી: દિલ્હી પોલીસે વોટ્સએપ અને ટિકટોક જેવી એપ પર ભ્રામક સૂચનાઓ ફેલાવનાર એક એવી સોશિયલ મીડિયા ઝૂંબેશનો પર્દાફાશ કર્યો છે, જેમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન નહીં કરવાની સલાહ આપવામાં આવી રહી છે અને એવું સમજાવવામાં આવી રહ્યું છે કે, કોરોના વાઈરસ મુસ્લિમોનું કઈ નહીં બગાડી શકે. પોલીસના અનુસાર આ ઝૂંબેશ મહામારીને રોકાવા સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નોને સામે ગંભીર પડકાર આપી રહ્યું છે.

દેશવ્યાપી લોકડાઉનના પ્રથમ સપ્તાહ દરમ્યાન વોટ્સએપ અને ટિકટોક પર ફેલાવવામાં આવી રહેલી સામગ્રીની તપાસ પછી દિલ્હી પોલીસે જણાવ્યું કે, તેમણે એવા અસંખ્ય વિડિયો મળ્યા છે, જેમાં ખાસકરીને મુસ્લિમ સમુદાય માટે ધાર્મિક વાક્યો તેમજ નેતાઓના હવાલેથી તૈયાર કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ દિવસ દરમ્યાન સોશિયલ નેટવર્કિંગ પર 30 હજારથી વધુ વિડિયોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જેમાં સામે આવ્યું છે કે, નકલી અને ભ્રામક સૂચનાઓ વાળી મોટાભાગની પોસ્ટ હિન્દી અને ઉર્દૂ ભાષામાં ખાસ સમુદાયના લોકો માટે તૈયાર કરવામાં આવી છે. પ્રાથમિત અનુમાન મુજબ એક કરોડથી વધુ લોકો આ વિડિયો જોઈ ચૂક્યા છે.

પોલીસના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આમાંથી કેટલાક વિડિયો પાકિસ્તાન અને મધ્ય પૂર્વી દેશોમાં શૂટ કરવામાં આવ્યા હોય તેવી શક્યતા છે. આ વિડિયોને પોસ્ટ કર્યા બાદ તે જે એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવ્યા હોય તે એકાઉન્ટને ડિલિટ કરી નાંખવામાં આવે છે જેથી મૂળ સ્થાન અંગે જાણકારી ન મળી શકે…

મહત્વનું છે કે, આ વિડિયો બનાવવા અને વાઈરલ કરવા માટે ટિકટોકનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  ત્યારપછી આ વિડિયોને વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ધાર્મિક વાકયોનો હવાલો આપીને લોકોને હાથ મિલાવવાનું કહેવામાં આવી રહ્યું છે અને લોકોડાઉન દરમિયાન પણ ધાર્મિક સ્થળો પર જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.