નવી દિલ્હીઃ દેશની અર્થવ્યવસ્થા અને ખેતી માટે સારા સમાચારો આવ્યાં છે. ભારતીય હવામાન વિભાગે મોનસૂન મામલે પોતાનું પ્રથમ અનુમાન જાહેર કર્યું છે. તેણે આ વર્ષે દેશમાં મોનસૂન સામાન્ય રહેવાની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન લાંબા સમયના સરેરાશ 96 ટકા રહેશે.
આનો અર્થ એ છે કે આ વર્ષે મોનસૂન સામાન્ય રહેશે. હવામાન વિભાગે કહ્યું કે અલ નીનોની અસર નામ માત્ર રહેશે. આ પહેલા આ વર્ષે મોનસૂન સામાન્યથી કમજોર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
હવામાન મામલે પૂર્વાનુમાન વ્યક્ત કરનારી પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે સામાન્યથી ઓછા મોનસૂનનું અનુમાન વ્યક્ત કર્યું હતું. તેણે એલપીએના મુકાબલો મોનસુન 93 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. એજન્સીએ કહ્યું હતું કે અલનીનોની આશંકાને લઈને આ વર્ષે મોનસૂન સામાન્યથી ઓછું રહી શકે છે. હવામાન વિભાગ દ્વારા બીજી આગાહી જૂનના પહેલા સપ્તાહમાં આવશે. માનવામાં આવે છે કે આ અનુમાન હકીકતની નજીક હોય છે.
ભારતનું હવામાન ખાતુ 96 ટકાથી 104 ટકા વચ્ચે થયેલા વરસાદને સરેરાશ અથવા સામાન્ય ચોમાસાના રુપમાં પરિભાષિત કરે છે. 2017 અને 2018માં ક્રમશઃ 95 ટકા અને 91 ટકા વરસાદ થયો હતો. આનો અર્થ એ છે કે આ બે વર્ષમાં ચોમાસુ સામાન્ય હતું. સામાન્ય રીતે 1 જૂનની આસપાર કેરળના રસ્તે દક્ષિણ પશ્ચિમી ચોમાસુ દેશમાં પ્રવેશ કરે છે. 4 મહીનાના વરસાદ બાદ એટલે કે સપ્ટેમ્બરના અંતમાં રાજસ્થાનના રસ્તે ચોમાસુ પાછુ આવે છે.
ભારતના 26 કરોડ ખેડુતો ધાન્ય, શેરડી, મકાઈ, કપાસ અને સોયાબીન જેવી ઘણા પાકના વાવેતર માટે ચોમાસાની રાહ જોવે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે દેશની ખેતી લાયક આશરે 50 ટકા જમીનમાં સિંચાઈની સુવિધાઓની કમી છે.
આને લઈને કૃષિ ઉત્પાદનની ભારતની અર્થવ્યવસ્થામાં માત્ર 14 ટકાની જ ભાગીદારી છે. જો કે આ સેક્ટર દેશની આશરે 65 કરોડથી વધારે આબાદીને રોજગાર આપે છે. ભારતની જનસંખ્યા 130 કરોડ જેટલી છે.
વાતાવરણની આગાહી કરનારી ઓસ્ટ્રેલિયાની સરકારી એજન્સી બ્યૂરો ઓફ મેટ્રોલોજીએ આ વર્ષે અલ નીનોની 70 ટકા જેટલી આગાહી વ્યક્ત કરી હતી. આ જ પ્રકારે અમેરિકી વેધર એજન્સી ક્લાઈમેટ પ્રેડિક્શન સેન્ટરે પણ અલનીનોની 60 ટકા આગાહી કરી હતી.
શું છે અલ નીનો?
અલ નીનોના પ્રભાવથી પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટી ગરમ થઈ જાય છે આનાથી હવાઓના રસ્તા અને ઝડપમાં પરિવર્તન આવે છે જેને લઈને હવામાનનું ચક્ર પ્રભાવિત થાય છે. વાતાવરણમાં બદલાવના કારણે ઘણા સ્થાનો પર દુકાળ પડે છે તો ઘણી જગ્યાએ પૂરની સ્થિતી સર્જાય છે. આની અસર દુનિયાભરમાં જોવા મળે છે. અલ નીનો બનવાથી ભારત અને ઓસ્ટ્રેલિયામાં દુકાળ પડે છે જ્યારે અમેરિકામાં ભારે વરસાદ થાય છે. જે વર્ષમાં અલ-નીનોની સક્રિયતા વધે છે તે વર્ષે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન પર તેની અસર નીશ્ચિત રુપે પડે છે. ભારતમાં દક્ષિણ પશ્ચિમી મોનસુનને જ મોનસૂન સીઝન કહેવામાં આવે છે. કારણ કે જૂનથી સપ્ટેમ્બર સુધી 70 ટકા વરસાદ આ જ ચાર મહીના દરમિયાન થાય છે. ભારતમાં અલ નીનોના કારણે દુકાળનો ખતરો વધારે રહે છે.