જયપુરઃ કૃષિ ક્ષેત્રે ખેડૂતોની આ વર્ષે માઠી દશા છે. એક તો પહેલેથી કોરોના વાઇરસને પગલે લોકડાઉનમાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. હવે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઉત્તર-પશ્ચિમના કેટલાંક રાજ્યોનાં ખેતરો પર છેલ્લાં 27 વર્ષમાં સૌથી ખરાબ હુમલો તીડોના ટોળાંઓ કરી રહ્યાં છે. આમ ખેડૂતોને પડતા પર પાટુ લાગી છે. આ તીડોનાં ટોળાં ખેતરોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. આ તીડો માનવી માટે તૈયારી થયેલી ઊપજનો મોટા પાયે ખાતમો બોલાવે છે, જેથી મોટા પાયે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ખેતરોમાં ઊપજને નુકસાન થવાથી ખેડૂતોની સાથે લોકો માટે પણ અનાજનું ઉત્પાદન ઓછું થાય છે.આ તીડો આવે ક્યાંથી છે?
આ તીડોના હુમલાથી દેશના અનેક રાજ્યોના પાકને ભારે ક્ષતિ પહોંચાડી રહ્યા છે. આ તીડો પૂર્વ આફ્રિકા અને સુદાનના રણમાં ઉદભવ્યા છે. તેઓ એમના રસ્તામાં આવતાં પાક, પાંદડાં, છાલ અને બીજને સાફ કરતાં લાબું અંતર કાપવામાં સક્ષમ હોય છે. આ તીડોનાં ટોળાંઓ સાઉદી અરેબિયા, ઇરાન, પાકિસ્તાન થઈને ભારત આવે છે.
આ તીડો કેટલા કિલોમીટરનું અંતર કાપે છે?
આ તીડોનાં ટોળાં સામાન્ય રીતે એક દિવસમાં 150 કિલોમીટરનું અંતર કાપી શકે. આ તીડોનાં ટોળાં પાંદડાં, ફળો, બીજ, અને ખેતરોમાંના ઊભા પાક પર ઊતરીને વ્યાપક નુકસાન પહોંચાડે છે.
તીડની ચિંતા આપણે કેમ કરવી જોઈએ
અગાઉ તીડનાં ખેતરો પરના હુમલાને સરકાર દ્વારા ગંભીરતાથી નહોતી લેવાતી અને મોટે ભાગે રાજસ્થાન સુધી મર્યાદિત હતી, પણ હવે આ તીડનાં ટોળાં રાજસ્થાનથી ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પહોંચી ગયાં છે. તીડનાં ટોળાંઓના હુમલાથી ખેડૂતોની હાલત વધુ કફોડી બને છે. આ વર્ષે તીડનાં ધાડેધાડાં ખેતરો પર ઊતરી આવ્યા છે, જેથી કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન થવાની ભીતિ છે. આમ પણ કોવિડ-19ને પગલે દેશભરમાં થયેલા લોકડાઉનથી ખેડૂતોની હાલત ખરાબ છે, ત્યાં આ તીડનાં ટોળાંએ તેમની હાલત કફોડી કરી દીધી છે.
યુનાઇટેડ નેશન્સની સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશને (FAOએ) વિવિધ તબક્કે આ તીડોના આક્રમણ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ચેતવી હતી. સંસ્થાએ ભારતને ચેતવણી આપતાં કહ્યું હતું કે આ તીડોનાં ટોળાં દેશની પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે. આ તીડનાં ટોળાં આવતા મહિને આફ્રિકાથી પાકિસ્તાન અને ફરીથી ભારતમાં આવશે. જોકે હાલમાં રાજસ્થાનના જયપુર જેવાં શહેરમાં તો તીડોનું વાદળ છવાયું હોય એવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં અને ક્યાંક તો તીડનાં ટોળાંને કારણે અંધકાર પણ છવાયો હતો. જોકે રાજસ્થાનના દૌસા જિલ્લામાં નિયંત્રણ અભિયાન પછી તીળોનાં ટોળાં યુપી તરફ વળ્યાં હતાં.
બંને રાજ્યોમાં રસાયણોનો ભારે દવાનો છંટકાવ
યુપી, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના 10 જિલ્લાને તીડોના આક્રમણ સામે હાઇ અલર્ટ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ બંને રાજ્યોની સરહદતી અડીને આવેલા જિલ્લાઓમાં રાતના સમયે રસાયણોનો ભારે છટંકાવ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
એક તીડ આશરે 500 ઈંડાં આપે છે
એક તીડ આશરે 500 ઇંડાં આપે છે, એટલે કે આ તીડનાં ઝુંડની સાથે એમનાં બ્રીડિંગને પણ અટકાવવું પડશે. આ તીડનું સરેરાશ એક નાનું ઝુંડ 10 હાથીઓ, 25 ઊંટો તથા 2500 વ્યક્તિઓની બરાબર ભોજન ચટ કરી જાય છે. આ બહુ વિનાશકારી તીડ (કીટક) છે, જે હવાની દિશામાં 16થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે.