કોરોના દર્દીએ વિમાનમાં મુસાફરી કરી, તમામ પ્રવાસીઓને કરાયા ક્વોરન્ટાઈન

નવી દિલ્હીઃ દેશભરમાં ગઈ 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરુ થઈ ગઈ છે. ત્યારે ઈન્ડિગો અને એર ઈન્ડિયાના વિમાનમાં યાત્રા કરનારા કેટલાક યાત્રીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એર ઈન્ડિયાએ કહ્યું કે, દિલ્હીથી લુધિયાણા જનારી તેની એક ફ્લાઈટમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. તો ઈન્ડિગોએ પણ એક યાત્રી કોરોના પોઝિટિવ હોવાની વાત કરી છે.એર ઈન્ડિયાએ જણાવ્યું કે, એર ઈન્ડિયાની દિલ્હી-લુધિયાણા ફ્લાઈટમાં એક યાત્રી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. યાત્રી એર ઈન્ડિયાના સુરક્ષા વિભાગમાં કામ કરે છે અને તે પેઈડ ટિકિટ પર યાત્રા કરી રહ્યો હતો. આને કારણે વિમાનના તમામ યાત્રીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક વ્યક્તિ એર ઈન્ડિયાના સિક્યોરિટી સ્ટાફનો જ માણસ હતો. આ વ્યક્તિ દિલ્હીનો રહેવાસી છે અને દિલ્હીથી 25 મેના રોજ ફ્લાઈટમાં લુધિયાણા પહોંચ્યો હતો. લુધિયાણા જિલ્લા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, વ્યક્તિની ઉંમર 50 વર્ષ છે.

ઈન્ડિગોએ નિવેદન આપતા કહ્યું કે, કોઈમ્બતુર એરપોર્ટના ડોક્ટરે પુષ્ટી કરી છે કે, એક યાત્રી કે જેણે 25 મે ના રોજ સાંજે ચેન્નઈથી કોઈમ્બતુર સુધીની વિમાન યાત્રા કરી હતી, તે તપાસમાં કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. કોરોના પોઝિટિવ યાત્રીને અત્યારે કોઈમ્બતુર સ્થિત એક હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. આ યાત્રી અન્ય યાત્રીઓની જેમ વિમાનમાં તમામ જરુરી સુરક્ષા નિયમોના પાલન સાથે બેઠો હતો કે જેમાં એક માસ્ક, ફેસ શિલ્ડ અને અન્ય જરુરી સેફ્ટીનો સમાવેશ થાય છે. આ વ્યક્તિની આજુબાજુ કોઈ યાત્રીઓ બેઠા નહોતા એટલે સંક્રમણની શક્યતાઓ ખૂબ ઓછી છે.