ચંદીગઢ- મૂશળધાર વરસાદને પગલે શેરડી, કપાસ અને સફરજનના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડીનો પાક નષ્ટ થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
જો કે, દેશામાં ખાંડનો પૂરતો જથ્થો હોવાથી ખાંડના ભાવ વધે તેવી સંભાવના ઓછી છે. તો બીજી તરફ ભારે વરસાદને કારણે પશ્ચિમ અને મધ્ય ભારતમાં તેલીબિયાં અને કપાસના ખેતરોને પણ નુકસાન પહોંચ્યું છે. ઉત્તરભારતમાં સફરજનના ઉત્પાદનને પણ ઘણું પ્રભાવિત કર્યું છે. ઓગસ્ટમાં કુલ વરસાદ કુલ સરેરાશ વરસાદના એક તૃતિયાંશ રહ્યો છે.
મહારાષ્ટ્ર કૃષિ વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, શેરડીનો અંદાજે 4.17 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર વરસાદની ઝપેટમાં આવી ગયો છે. આમાંથી લગભગ અડધો વિસ્તાર કોલ્હાપુર, સાંગલી અને સતારામાં છે. આ વિસ્તારોમાં આ વર્ષે પૂરની સ્થિતિ હતી. જેના કારણે શેરડી, બગાયતી પાકો અને હળદરના પાકને નુકસાન પહોંચ્યું છે. આ જિલ્લાઓની ખાંડ મીલોને શેરડીની અછતનો સામનો કરવો પડી શકે છે.
ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે ખેડૂતોને પ્રતિ એકર ઓછામાં ઓછુ 30 હજાર રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. ઈન્ડિયન ખાંડ મીલ એસોસિએશને ચાલુ સીઝનમાં ખાંડ ઉત્પાદન 2.82 કરોડ ટન રહેવાનું અનુમાન લગાવ્યું છે. આ અનુમાન ગત સીઝન કરતા અંદાજે 20 ટકા ઓછું છે.
તો આ તરફ પંજાબમાં કપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ઉત્પાદ ઘટે તેવી સંભાવના છે. કૃષિ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બિહાર, પશ્ચિમ બંગાળ અસમ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં પૂરને કારણે ડાંગરના પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.