ફડણવીસ-અજીત પવાર શપથવિધિ વિવાદ કેસઃ સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી સોમવારે

નવી દિલ્હી/મુંબઈ – મહારાષ્ટ્રમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન તરીકે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજીત પવારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવવાના રાજ્યના ગવર્નર ભગતસિંગ કોશિયારીના નિર્ણયને રદબાતલ જાહેર કરવાની માગણી સાથે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત પીટિશન પર સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશોએ આજે સુનાવણી કરી હતી. એક કલાક સુધી બંને પક્ષ – 3 રાજકીય પક્ષો અને ભારતીય જનતા પાર્ટીના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સુનાવણી આવતીકાલે પણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. સોમવારે સવારે 10.30 વાગ્યાથી સુનાવણી શરૂ કરવામાં આવશે.

આ કેસમાં સુનાવણી 3-જજની બેન્ચ કરી રહી છે – ન્યાયમૂર્તિઓ એન.વી. રામના, અશોક ભૂષણ અને સંજીવ ખન્ના.

ન્યાયાધીશો અસાધારણ નિર્ણય લઈને આજે રવિવારની રજાનો દિવસ હોવા છતાં સુનાવણી કરવા કોર્ટમાં હાજર થયા હતા.

ન્યાયાધીશોએ કેન્દ્ર સરકારના વકીલ (સોલિસીટર જનરલ) તુષાર મહેતાને આદેશ આપ્યો હતો કે મહારાષ્ટ્રના ગવર્નર કોશિયારીએ કેન્દ્રને આપેલો પત્રની કોપી આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે ચાર જણને જવાબ આપવા માટે નોટિસ ઈસ્યૂ કરી છે – કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર રાજ્ય, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર.

શિવસેના-એનસીપી-કોંગ્રેસના વકીલો – કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ રાજ્યપાલ કોશિયારીની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યો હતો અને દલીલ કરી હતી કે ફડણવીસ-અજીત પવારના શપથવિધિ માટે ગવર્નરના નિર્ણયને રદબાતલ જાહેર કરવામાં આવે અને જો ભાજપ પાસે સરકાર રચવા માટે 145 વિધાનસભ્યોનું સંખ્યાબળ હોય તો ફડણવીસને વિધાનસભા ગૃહમાં બહુમતી સાબિત કરવાનો આજે જ આદેશ આપવામાં આવે.

કપિલ સિબ્બલે દલીલબાજીની શરૂઆતમાં ન્યાયાધીશોને કહ્યું હતું કે આપને આજે રવિવારની રજાના દિવસે ચુકાદો આપવા આવવું પડ્યું એ બદલ અમે આપની માફી માગીએ છીએ. જવાબમાં, જજ સંજીવ ખન્નાએ કહ્યું, કંઈ વાંધો નહીં, અમારી ફરજ છે.

સિબ્બલે કહ્યું, મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકાર રચવા માટે બહુમતી માટે જરૂરી 145 વિધાનસભ્યો અમારા 3 રાજકીય પક્ષો – શિવસેના, એનસીપી, કોંગ્રેસ પાસે છે.

કપિલ સિબ્બલે 15 મિનિટ સુધી દલીલબાજી રજૂ કરી હતી. એમણે કહ્યું, મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાનો નિર્ણય મનમાનીપૂર્વકનો હતો. રાજ્યપાલ કોશિયારીએ ભાજપના ફડણવીસને અયોગ્ય રીતે સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. જો ભાજપ પાસે બહુમતી હોય તો આજે જ તે સાબિત કરે. રાજ્યપાલ કોશિયારીએ પક્ષપાત કર્યો હતો, બદઈરાદો બતાવ્યો, સુપ્રીમ કોર્ટે સ્થાપેલા કાયદાની વિપરીત પગલું ભર્યું છે.

ન્યાયમૂર્તિ ભૂષણે સવાલ કર્યો, દેવેન્દ્ર ફડણવીસે એમને સમર્થન છે એવું દર્શાવતો પત્ર રાજ્યપાલને ક્યારે સુપરત કર્યો હતો? સિબ્બલે કહ્યું, અમને કંઈ જ ખબર નથી કે બધી ઘટના કેવી રીતે બની ગઈ.

ન્યાયમૂર્તિ ભૂષણે કહ્યું, રાજ્યપાલને સંતોષ થયો હોય તો એ કોઈ પણ પાર્ટીને સરકાર બનાવવાનું આમંત્રણ આપી શકે છે.

એનસીપીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પોતાની દલીલમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે બન્યું એ લોકશાહીની વિરુદ્ધનું, લોકશાહી સાથે દગાસમાન છે. શુક્રવારે સાંજે 7 વાગ્યે જાહેરાત કરવામાં આવી હતી કે અમે સરકાર રચવાનો દાવો કરીશું અને ઉધ્ધવ ઠાકરે સરકારનું નેતૃત્ત્વ લેશે તો શું રાજ્યપાલ એ માટે રાહ જોઈ શકતા નહોતા?

અભિષેક મનુ સિંઘવીએ વધુમાં કહ્યું કે, અજીત પવાર હવે એનસીપીના વિધાનસભા પક્ષના નેતા રહ્યા નથી. એમની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. એનસીપીના કુલ 54 વિધાનસભ્યો છે. એમાંના 41 જણે સહી સાથે જણાવ્યું છે કે તેઓ અજીત પવાર સાથે નથી.

સિબ્બલ અને સિંઘવીએ છ વાર માગણી કરી હતી કે આજે જ ભાજપને બહુમતી પુરવાર કરવાનો આદેશ આપો.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જજોને કહ્યું હતું કે આ રીતે રવિવારની રજાના દિવસે સુનાવણી કરવાની જરૂર શું હતી? અરજદારોએ પહેલા હાઈકોર્ટમાં જવું જોઈતું હતું.

મહારાષ્ટ્ર ભાજપ અને બે અપક્ષ વિધાનસભ્યના વકીલ તરીકે હાજર થયેલા મુકુલ રોહતગીએ કહ્યું, કોર્ટે પ્રતિવાદી (દેવેન્દ્ર ફડણવીસ)ને સાંભળ્યા વગર આદેશ આપવાની વાદીઓની માગણીનો કોર્ટે સ્વીકાર કરવો ન જોઈએ. આજે આદેશ આપવો ન જોઈએ. ગવર્નરનો નિર્ણય જરાય ગેરકાયદેસર નથી. કોર્ટે વિશ્વાસના મત માટેની તારીખ નક્કી કરતો ઓર્ડર આપવો ન જોઈએ. 3 અઠવાડિયા સુધી આ લોકો (3 રાજકીય પક્ષો) ઊંઘતા રહ્યા, અને હવે કહે છે કે અત્યારે જ બહુમતી સાબિત કરો.

ન્યાયમૂર્તિ રામનાએ કહ્યું, રાજ્યપાલ ગમે તેને બોલાવીને શપથ લેવડાવી શકે નહીં.

મુકુલ રોહતગીએ દલીલ કરી કે, રાજ્યપાલે કોઈને રસ્તા પરથી બોલાવીને શપથ લેવડાવ્યા નહોતા. રાજ્યપાલ એમના વિવેક મુજબ કામ કરે છે. રાજ્યપાલના આદેશને કોર્ટ રદ કરી ન શકે. રાજ્યપાલ કોર્ટને જવાબ દેવા બંધાયેલા નથી.

ત્રણેય જજે વિચાર કર્યા બાદ નક્કી કર્યું હતું કે આ કેસમાં સુનાવણી આવતીકાલે, સોમવારે પણ ચાલુ રાખવામાં આવશે.

નાટ્યાત્મક શપથવિધિ

ઉલ્લેખનીય છે કે, ભાજપના નાગપુર-પશ્ચિમ મતવિસ્તારના વિધાનસભ્ય અને ગત્ મુદતના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એનસીપીના વિધાનસભ્ય અજીત પવારના ગ્રુપના વિધાનસભ્યોના ટેકા સાથે શનિવારે સવારે 8 વાગ્યે મુંબઈમાં રાજભવન ખાતે મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા હતા. રાજ્યપાલ કોશિયારીએ અજીત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા. અજીત પવાર એનસીપીના પ્રમુખ શરદ પવારના ભત્રિજા છે અને એનસીપી વિધાનસભા પક્ષના નેતા હતા.

ફડણવીસ-અજીતની શપથવિધિનું ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જે જોઈને સૌ કોઈને આશ્ચર્ય થયું હતું.

શરદ પવારે બાદમાં બપોરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ફડણવીસની સરકારમાં જોડાવાનો અજીત પવારનો નિર્ણય એમનો અંગત હતો, પાર્ટીનો નહીં. પાર્ટીના 50 સભ્યોનો પોતાને ટેકો છે એવું પણ શરદ પવારે કહ્યું હતું.

એ પત્રકાર પરિષદમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ મોજૂદ હતા.

મોડી સાંજે સમાચાર હતા કે સરકાર બનાવવા માટે સવારે અજીત પવાર સાથે ગયેલી એનસીપીના મોટા ભાગના વિધાનસભ્યો શરદ પવાર પાસે પાછા આવી ગયા હતા.

સવારે, રાજ્યપાલ કોશિયારીએ ફડણવીસ-અજીતને શપથ લેવડાવ્યા એ પહેલાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લીધું હતું. બધો ખેલ શુક્રવારે રાતે 11.55થી લઈને સવારે 8.30 વાગ્યા સુધીમાં કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 21 ઓક્ટોબરે થઈ હતી. 24મીએ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. એમાં એકેય પક્ષે બહુમતી મેળવી નહોતી. ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. ભાજપે સૌથી વધારે, 105 અને શિવસેનાએ 56 સીટ જીતી હતી. આ બંને પક્ષ સાથે મળીને સરકાર રચી શક્યા હોત, પરંતુ મુખ્ય પ્રધાન પદની વહેંચણીના મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને બંને પક્ષ છૂટા પડી ગયા. ફડણવીસે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું અને મહારાષ્ટ્ર ભાજપે રાજ્યપાલને મળીને કહ્યું હતું કે તે સરકાર રચવા અસમર્થ છે. રાજ્યપાલે ત્યારબાદ બીજા નંબરની પાર્ટી શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. શિવસેના અન્ય બે પક્ષ – એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવા તૈયાર થઈ હતી, પરંતુ એણે ટેકાના પત્રો સુપરત કરવા માટે બે દિવસનો સમય માગ્યો હતો, જેનો રાજ્યપાલે ઈનકાર કર્યો હતો. રાજ્યપાલે ત્યારબાદ ત્રીજા નંબરના પક્ષ એનસીપીને આમંત્રણ આપ્યું હતું. એ પાર્ટીએ પણ બે દિવસનો સમય માગ્યો હતો, જે રાજ્યપાલે ઈનકાર કર્યો હતો અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી દીધી હતી.

બીજી બાજુ, સંયુક્ત સરકાર રચવા માટેનો તખ્તો તૈયાર કરવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે એમના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.