લુધિયાણાઃ પંજાબ પોલીસે લુધિયાણા બોમ્બ બ્લાસ્ટ મામલે ગગનદીપની મહિલા મિત્રની ધરપકડ કરી છે. ગગનદીપની એ મહિલા મિત્ર ખન્ના પોલીસમાં કોન્સ્ટેબલ છે અને એસપીની ઓફિસમાં તહેનાત છે. ગગનદીપની કોલ ડિટેલની તપાસ કર્યા પછી ખન્ના પોલીસને મળેલા ઇનપુટને આધારે એની ધરપકડ કરવામાં આવી છે. જોકે સ્પષ્ટ નથી કે આ મહિલા કોન્સ્ટેબલનો આ વિસ્ફોટ સાથે તાર કેવી રીતે જોડાયેલા છે. એ સાથે તપાસ માટે સાત વધુ લોકોની પણ પૂછપરછ કરવામાં આવે એવી શક્યતા છે. આમાં એક નવા શહરનો બરખાસ્ત કરવામાં આવેલો પોલીસ કર્મચારી છે, જે નશાની દાણચોરીમાં સંડોવાયેલો હતો.
પોલીસ સૂત્રોએ એક દિવસ પહેલાં જણાવ્યું હતું કે લુધિયાણા જિલ્લા કોર્ટમાં વિસ્ફોટમાં માર્યા ગયેલી વ્યક્તિની ઓળખ રાજ્ય પોલીસના એક બરખાસ્ત હેડ કોન્સ્ટેબલ ગગનદીપ સિંહ તરીકે કરવામાં આવી હતી. જે લુધિયાણાના ખન્નાનો રહેવાસી હતો અને એને કોઈ માદક પદાર્થ મામલે હેડ કોન્સ્ટેબલપદેથી બરખાસ્ત કરવામાં આવ્યો હતો.
લુધિયાણામાં જિલ્લા કોર્ટ પરિસરમાં થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં એકનું મોત થયું હતું અને પાંચને ઈજા પહોંચી હતી. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પરિસરની એક દીવાલને ભારે નુકસાન થયું હતું અને કેટલીક બારીઓ તૂટીને પરિસરમાં નીચે પાર્ક વાહનો પર પડતાં તેમને પણ નુકસાન થયું હતું. મુખ્ય પ્રધાન ચરણજિત ચન્નીએ કહ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જણાય છે કે બોમ્બ ઓપરેટ કરી રહેલા માણસનું જ વિસ્ફોટમાં મોત નીપજ્યું હતું.
આ ઘટનાની ટીકા કરતા મુખ્ય પ્રધાન ચરણજિત ચન્નીએ જણાવ્યું હતું કે કેટલાંક રાષ્ટ્ર-વિરોધી તત્વોએ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં શાંતિ ખોરવવાનું કામ કર્યું હતું.