મુંબઈઃ મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠન બાદ હવે ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રી મંત્રીમંડળના વિસ્તારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. વિસ્તારની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ્યાં તમામ મંત્રીઓને જવાબદારી આપવાની તૈયારી ચાલી રહી છે ત્યાં જ બીજી તરફ રાજ્ય મંત્રાલય પરિસરમાં તમામને ઓફિસ આપવાનું કામ શરુ થઈ ગયું છે. જો કે મંત્રાલયના છઠ્ઠા માળે એક કેબિન એવું પણ છે કે જેને કોઈપણ વ્યક્તિ લેવા માટે રાજી નથી. મંત્રાલયની આ ઓફિસ મામલે કહેવામાં આવે છે કે આ ઓફિસમાં બેસનાર કોઈપણ વ્યક્તિ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકતો નથી.
મુંબઈમાં રાજ્ય મંત્રીમંડળના સત્તાવાર કાર્યાલય એટલે કે વિધાનસભાના છઠ્ઠા માળ પર આવેલી 3000 વર્ગ ફૂટની કેબિન 602 અત્યારે કોઈપણ મંત્રીને આપવામાં આવી નથી. આ ઓફિસમાં એક કોન્ફરન્સ રુમ, ઓફિસ સ્ટાફ હોલ અને બે મોટા કેબિન છે. પહેલા આ ઓફિસને મહારાષ્ટ્રની સત્તાનું પાવર સેન્ટર માનવામાં આવતું હતું. પહેલા અહીંયા મુખ્યમંત્રી, સૌથી વરિષ્ઠ મંત્રી અને મુખ્ય સચિવ બેસતા હતા પરંતુ હવે આ ઓફિસમાં કામ કરવા માટે કોઈ તૈયાર નથી. જો કે આ માત્ર અંધ વિશ્વાસ છે કે આ કેબીનમાં બેસનાર કોઈપણ વ્યક્તિ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકતો નથી.
વર્ષ 2014 માં ભાજપની સરકાર બન્યા બાદ આ ઓફિસ ભાજપના મોટા નેતા અને તત્કાલિન કેબિનેટ મંત્રી એકનાથ ખડસેને આપવામાં આવી હતી. ખડસે અહીંયાથી રાજ્ય સરકારના કૃષિ, રેવન્યૂ, અને અલ્પસંખ્યક કલ્યાણ વિભાગોનું કામકાજ સંભાળતા હતા. જો કે પોતાના કાર્યકાળના બે વર્ષ બાદ જ ખડસે એક ગોટાળામાં ફસાયા અને બાદમાં તેમણે રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ થોડા સમય સુધી આ કેબિન ખાલી રહી અને પછી આને નવા કૃષિ મંત્રી પાંડુરંગ ફુંડકરને આપવામાં આવી હતી. ફુંડકરે પોતાનો કાર્યકાળ સંભાળ્યો તેના બે વર્ષ બાદ તેમનું હાર્ટ એટેકમાં મૃત્યું થયું. ત્યારબાદ જૂન 2019 સુધી આ કેબિન કોઈને આપવામાં આવી નથી.
વર્ષ 2019 માં જ્યારે કૃષિ વિભાગની જવાબદારી ભાજપના નેતા અનિલ બોડેને આપવામાં આવી ત્યારે આ ઓફિસ સંભાળવા માટે પહોંચ્યા. જો કે અફવાઓને જોર ત્યારે મળ્યું કે જ્યારે અનિલ આ વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર પણ ન રહી. ત્યારબાદ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડીની સરકાર દ્વારા કોઈપણ મંત્રીને આ પરિસર આપવામાં આવ્યું નથી.