નવી દિલ્હીઃ દિલ્હી સહિત આખા ઉત્તર ભારતને કડકડતી ઠંડીએ જકડી લીધું છે. દિલ્હીમાં 119 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. દિલ્હીનું મહત્તમ તાપમાન 9.4 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. દિવસના સમયે તાપમાનમાં થયેલા આવા ઘટાડાએ હવામાન વૈજ્ઞાનિકોને પણ અચંબિત કરી દીધા છે. રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાનમાં સોમવારના રોજ દિલ્હીમાં તાપમાનમાં સામાન્ય વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. હવાઓની દિશામાં થનારા પરિવર્તનને ધ્યાને રાખતા વૈજ્ઞાનિકોએ તાપમાનમાં વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કર્યું હતું. જો કે સોમવારના રોજ સ્થિતિ બિલકુલ બદલાઈ ગઈ અને તાપમાનમાં વધારે ઘટાડો નોંધવામાં આવ્યો.
હવામાન વિભાગ અનુસાર, હવાઓએ પોતાની દિશા ઉત્તર પૂર્વ તરફ બદલી. જો કે હવાઓની ઓછી ગતિના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવાઓની ઓછી ગતિ સાથે જ હવામાં ઉપસ્થિત ભેજના કારણે ઠંડી એકદમ વધી ગઈ. આ સાથે જ સોમવારના જ દિવસભર ધુમ્મસ વાળુ વાતાવરણ રહ્યું અને આના કારણે પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો. આ તમામ પરિસ્થિતીઓના કારણે દિવસનું મહત્તમ તાપમાન રોકોર્ડબ્રેક ઓછું નોંધાયું.
હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તાપમાનમાં ઘટાડાની અપેક્ષા અમને નહોતી. અમારું અનુમાન હતું કે રવિવારના રોજ મહત્તમ તાપમાનથી સોમવારના અધિતમ તાપમાનમાં વૃદ્ધિ થશે. રવિવારના રોજ સફદરજંગ વિસ્તારનું મહત્તમ તાપમાન 15.8 ડિગ્રી હતું અને અમારું અનુમાન હતું કે સોમવારના રોજ આ વધીને 17 ડિગ્રીની આસપાસ રહેશે.
હવામાન વૈજ્ઞાનિક મહત્તમ તાપમાન સાથે જ દિવસભર શહેરમાં છવાયેલી ધુમ્મસના કારણે પણ અચંબિત થયા. હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યું કે, અમારા માટે સૌથી ચોંકાવનારી વાત એ રહી કે દિવસભર ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. પૂર્વાનુમાનમાં અમે સવારના સમયે ધુમ્મસની અપેક્ષા રાખી હતી, પરંતુ આખો દિવસ શહેરમાં ધુમ્મસ ફેલાયેલું રહેવાના કારણે અમે પણ અચંબિત થઈ ગયા. અમને અપેક્ષા હતી કે ધુમ્મસ ખૂબ સામાન્ય સ્તર પર રહેશે અને સૂર્ય પ્રકાશના કારણે તાપમાનમાં થોડી વધારો થશે પરંતુ દિવસભર ગાઢ ધુમ્મસ રહેવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો.