નવી દિલ્હી – 17મી લોકસભાની ચૂંટણીમાં મતગણતરી શરૂ થવાને આડે હવે ગણતરીના જ કલાકો બાકી છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો સંબંધિત કોઈ ફરિયાદ આવે તો એની પર ધ્યાન આપવા માટે ચૂંટણી પંચે નવી દિલ્હી સ્થિત નિર્વાચન સદન ખાતે 24-કલાક ચાલુ રહે એવો ઈવીએમ કન્ટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે. દેશભરમાં તમામ કેન્દ્રો ખાતે મતગણતરી આવતીકાલે સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.
આ વખતની ચૂંટણીમાં મતદાન માટે આખા દેશમાં ઈવીએમ મશીનો અને વીવીપેટ (વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ) મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈવીએમ મશીનો સાથે ચેડાં થઈ શકે છે એવી વિરોધ પક્ષોએ ફરિયાદ કરી છે, પણ ચૂંટણી પંચે કહ્યું છે કે મશીનો એકદમ સુરક્ષિત છે.
ચૂંટણી પંચે કહ્યું છે કે મતગણતરીના દિવસે ઈવીએમ સંબંધિત કોઈ પણ ફરિયાદ હોય તો એની પર કન્ટ્રોલ રૂમ ધ્યાન આપશે. એ માટે તેણે આ ફોન નંબર પણ આપ્યો છે – 011-23052123.
ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું છે કે દેશભરમાં સ્ટ્રોંગ રૂમ્સમાં ઈવીએમ અને વીવીપેટ મશીનો સીલબંધ સ્થિતિમાં જ રાખવામાં આવ્યા છે. એ બધી ગોઠવણ સંબંધિત ઉમેદવારો તથા ચૂંટણી પંચના નિરીક્ષકોની હાજરીમાં જ કરવામાં આવી છે. તમામ સ્ટ્રોંગ રૂમ્સ એકદમ સુરક્ષિત છે અને મશીનો સીલ કરવાની તેમજ એના સ્ટોરેજની સમગ્ર પ્રક્રિયાનું અધિકારીઓએ વિડિયો શૂટિંગ કર્યું છે.
સ્ટ્રોંગ રૂમ્સ આવતીકાલે સવારે જ ખોલવામાં આવશે. પ્રત્યેક ઈવીએમ મશીનોનાં સીલ, એડ્રેસ ટેગ્સ તથા સિરિયલ નંબર કાઉન્ટિંગ એજન્ટ્સને બતાવી દેવામાં આવ્યા છે. આમ, ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવેલા મશીનોની પારદર્શકતા તથા પ્રમાણિતતા જળવાઈ રહેશે.
વિપક્ષોની માગણીને ચૂંટણી પંચે ફગાવી
ઈવીએમ મશીનોમાં કોઈ પણ પ્રકારની ગડબડ થઈ ન હોવાની ખાતરી આપી હોવા છતાં વીવીપેટ મશીનોમાંના 50 ટકા મશીનોની સ્લિપ્સની ગણતરી ઈવીએમ મશીનો સાથે કરવાની વિરોધ પક્ષોની માગણીને ચૂંટણી પંચે ફગાવી દીધી છે.
આને પગલે વીવીપેટ મશીનોની સ્લિપ્સની ગણતરીના નિર્ણયમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય એ હવે સ્પષ્ટ થઈ ગયું છે.
મેરેથોન બેઠકમાં ચૂંટણી પંચે વિરોધ પક્ષોની માગણીને નકારી કાઢી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.