દીવ અને દમણ, દાદરા અને નગર હવેલી બનશે એક કેન્દ્રશાસિત પ્રદેશઃ લોકસભામાં ખરડો પાસ

નવી દિલ્હી: જમ્મુ-કશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કર્યા બાદ હવે દેશની બે યૂનિયન ટેરેટરિઝનું મર્જર કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકારે દેશના પશ્ચિમી ભાગમાં આવેલા બે કેન્દ્રશાસિત પ્રદેશો – દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલીનું વિલિનીકરણ કરીને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનું નક્કી કર્યું છે. એ માટે આજે લોકસભામાં ખરડો રજૂ કરવામાં આવ્યા બાદ તે મંજૂર કરી દેવામાં આવ્યો હતો. હવે સંસદના રાજ્યસભા ગૃહમાં આ ખરડો રજૂ કરવામાં આવશે. તેની પણ મંજૂરી મળી ગયા બાદ નવા કેન્દ્રશાસિત પ્રદેશનું નામ બનશે – દાદરા, નગર હવેલી, દમણ અને દીવ.

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી.કિશન રેડ્ડીએ આ બિલ રજૂ કર્યું છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, દેશના પશ્ચિમ કિનારે વસેલા આ બંન્ને દ્વીપોને મર્જ કરી દેવાથી પ્રશાસન વધુ સારુ બનાવી શકાશે. બંન્ને દ્વીપ વચ્ચે માત્ર 35 કિલોમીટરનું જ અંતર છે, પણ બંન્ને માટે અલગ અલગ બજેટ તૈયાર થાય છે. દમણ અને દીવમાં બે જિલ્લા છે, જ્યારે દાદરા નગર હવેલીમાં એક જિલ્લો છે.

બંન્ને દ્વીપોનાં મર્જરથી એક કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ આની બે લોકસભા બેઠક હશે. બોમ્બે હાઈકોર્ટ પહેલાની જેમ જ અહીંની કાનૂની બાબતો જોશે. આ ઉપરાંત બંન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારી અહીંના કેડરમાં આવશે. અન્ય તમામ કર્મચારી પણ સંયુક્ત કેન્દ્ર શાસિત પ્રદેશનો હિસ્સો હશે.

જમ્મ-કશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા બાદ હવે દેશમાં 9 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 28 રાજ્યો છે. આ મર્જર પછી કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા ઘટીને 8 રહી જશે.

બંન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઈતિહાસની વાત કરીએ તો, બંન્ને પ્રદેશો પર લાંબા સમય સુધી પોર્ટુગીઝોનું શાસન હતુ. ડિસેમ્બર 1961માં દમણ દીવ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયુ હતુ. ત્યાર બાદ 1987 સુધી દમણ દીવ ગોવા કેન્દ્ર શાસિતનો હિસ્સો હતા પણ ગોવાને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળતા તે અલગ થઈ ગયું. દાદરા અને નગર હવેલીની વાત કરીએ તો 2 ઓગસ્ટ, 1954ના રોજા આઝાદ થયું, ત્યારબાદ 1961માં આ પ્રદેશ ભારતમાં સામેલ થયો હતો.