હજુ ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા નથી ત્યાં મંત્રીમંડળની અટકળો શરૂ

મુંબઈ: શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મળતી માહિતી મુજબ શપથવિધિ કાર્યક્રમ સાંજે 6:30 વાગ્યે યોજાશે. રાજ્યમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકાર બનવા જઈ રહી છે. હવે અટકળોનો દોર શરુ થયો છે કે, ત્રણેય રાજકીય પક્ષોમાંથી કયા કયા નેતા મંત્રી બનશે? સુત્રોના જણાવ્યા અનુસાર હવે ત્રણેય દળોના 26 નેતાઓના નામ સામે આવ્યા છે. જેમાં શિવસેનાના 8 નેતા અને કોંગ્રેસ એનસીપીના 9 9 નેતાઓના નામ સામે આવ્યા છે.

આ નેતાઓને મળી શકે છે મંત્રી પદ

મળતી માહિતી અનુસાર, શિવસેનાના 8 નેતા સરકારમાં મંત્રી પદની રેસમાં સામેલ છે. જેમાં એકનાથ શિંદે, દિવાકર રાવતે, સુભાષ દેસાઈ, અબ્દુલ સત્તાર, રામદાસ કદમ, તાનાજી સાવંત, દીપક કેસરકર અને ગુલાબરાવ પાટીલના નામ સૌથી આગળ છે. એનસીપીની વાત કરીએ તો, ધનંજય મુંડે, જિતેન્દ્ર આવ્હાડ, જયંત પાટીલ, છગન ભુજબલ, હસન મુશ્રીફ, અનિલ દેશમુખ, દિલીપ પાટીલ, મકરંદ પાટીલ અને રાજેશ ટોપેના નામ ચર્ચામાં છે. આ ઉપરાંત કોંગ્રેસના અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ, બાલા સાહેબ થોરાટ, વિજય વડેટ્ટીવાર, કેસી પાડવી, વિશ્વજીત કદમ, યશોમતી ઠાકુર, સતેજ બંટી પાટીલ અને સુનિલ કેદાર પણ મંત્રી પદની રેસમાં છે.

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાં બાદ કોંગ્રેસ એનસીપી અને શિવસેનાની સરકાર બનવા જઈ રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર શિવસેના અધ્યતક્ષ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે. આ પદ સંભાળ્યા બાદ તેમણે આગામી 6 મહિનામાં વિધાનસભાના સદસ્ય બનવું પડશે. કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટ અને એનસીપીના જયંત પાટીલને નાયબ મુખ્યમંત્રીની પદ આપવાની વાત ચર્ચાવા લાગી છે.