મુંબઈના ડબ્બાવાળાઓ ચાર્લ્સના રાજ્યાભિષેક સમારોહમાં હાજરી આપી નહીં શકે

મુંબઈઃ બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિયનો 6 મેના શનિવારે લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબે મહેલમાં રાજ્યાભિષેક સમારોહ યોજાવાનો છે. એમાં હાજર રહેવાનું દુનિયાભરના દિગ્ગજ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ચાર્લ્સ જેમની કામગીરી-સેવાથી પ્રભાવિત થયા છે અને જેમને તેઓ એમના મિત્ર તરીકે ગણાવે છે તે મુંબઈના ડબ્બાવાળાઓ (ટિફિન સેવા પૂરી પાડનારાઓ)ના બે પ્રતિનિધિઓને પણ હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ ડબ્બાવાળાઓ તેમાં હાજર રહી શકે એમ નથી.

કારણ એ છે કે બંને પ્રતિનિધિ પાસે પાસપોર્ટ નથી, તેથી તેઓ લંડન જઈ શકે એમ નથી. તેમ છતાં તેઓ રાજા ચાર્લ્સ માટે કેટલીક ભેટ મોકલવાના છે. એમાં એક પુણેરી પાઘડી અને વારકરી શાલનો સમાવેશ થાય છે. પુણેરી પાઘડીને મરાઠીઓ મહારાષ્ટ્રની શાન ગણાવે છે. આ પાઘડીને 2009માં ‘જ્યોગ્રફિકલ ઈન્ડિકેશન’ દરજ્જો આપવામાં આવ્યો હતો. રાજા ચાર્લ્સ-ત્રીજા આવતીકાલે રાજગાદી પર બેસશે તે રાજ્યાભિષેક સમારોહ વખતે એમને માથા પર 2.23 કિલોગ્રામ વજનના સોનાવાળો મુગટ પહેરાવવામાં આવનાર છે.