કેરળ ગુજરાતનું ઈ-ગવર્નન્સનું મોડલ અપનાવશે

નવી દિલ્હીઃ દેશમાં સુશાસન અને વિકાસની રાહ ભલે કેન્દ્રની તત્કાલીન UPA સરકારે લીધી હોય, પણ એને વિકાસના એક મોડલ તરીકે સ્થાપિત અને ચર્ચિત કરવાનું શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. ગુજરાત વિકાસનું આ મોડલ તેમના પછી પણ પ્રદેશમાં આગળ વધતું રહ્યું છે અને સમૃદ્ધ થઈ રહ્યું છે. કેરળની ડાબેરી મોરચાની સરકાર ગુજરાત મોડલથી કેટલી પ્રભાવિત છે, એ વાતની મિશાલ હાલમાં જોવા મળી છે.

કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને ગયા સપ્તાહે તેમના મુખ્ય સચિવ વીપી જોયને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના ઈ-ગવર્નન્સ ડેશબોર્ડ સિસ્ટમનો અભ્યાસ કરવા માટે ગુજરાત મોકલ્યા હતા.

કેરળ સરકારના અધિકારીઓની ટીમે આ ડેશબોર્ડને જોયું તો એની પ્રશંસા કરી હતી. ગયા વર્ષે નીતિ પંચના વરિષ્ઠ અધિકારીઓ તરફથી કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ ગ્રિવેન્સિસ, વિભાગના અધિકારીઓની એક ટીમે પણ ગુજરાતના CM ડેશબોર્ડની વ્યવસ્થાને જોયું-જાણ્યું હતું અને આ વ્યવસ્થાને દેશનાં બાકીના રાજ્યોમાં પણ લાગુ કરવાનું સૂચન કર્યું હતું. વળી, હાલમાં જારી થયેલા સુશાસન સૂચકાંક 2021માં ગુજરાતને પહેલું સ્થાન મળ્યું છે. આ એ વાતની પુષ્ટિ કરે છે કે ગુજરાત સરકાર ઈ-ગવર્નન્સ મોડલ (CM ડેશબોર્ડ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ)ના માધ્યમથી ‘સિટિઝન ફર્સ્ટ’ના દ્રષ્ટિકોણ માટે ગંભીર અને પ્રતિબદ્ધ છે.

ગુજરાતમાં ઈ-ગવર્નન્સના સફળ પ્રયોગ અને એના અપેક્ષિત પરિણામોથી એક વાત સાબિત થઈ છે કે એ દેશમાં રાજકારણ અને વિકાસનું નવું મોડલ ઊભું થઈ રહ્યું છે.