નવી દિલ્હીઃ મિડિયામાં ન્યૂઝ એન્કર તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એન્કર પછી દેશની પહેલા AI શિક્ષક લોન્ચ થયા છે કેરળમાં. કેરળમાં 100 ટકા સાક્ષરતા છે અને આધુનિક શિક્ષણ માટે રાજ્ય ઓળખાય છે. રાજ્યએ પહેલી AI શિક્ષક Irisને લોન્ચ કરી છે.
મેકરલેબ્સ એજ્યુટેક પ્રા. લિ.ના સહયોગથી વિકસિત, Iris શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમતાના એકીકરણમાં એક મહત્ત્વની પ્રગતિનું પ્રતીક છે. હાલમાં Irisને તિરુવનંતપુરમમાં કેટીસીટી હાયર સેકન્ડરી સ્કૂલમાં દેશની સામે રજૂ કરી હતી. Iris –એક હ્યુમનોઇડ છે, જેને વિદ્યાર્થીને શીખવાના અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
મેકરલેબ્સે ઇન્સ્ટાગ્રામ પર Irisનો એક વિડિયો શેર કર્યો છે, જેમાં શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવાની એની ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે લખ્યું હતું કે Irisની સાથે અમે વાસ્તવમાં વ્યક્તિગત શીખવાના અનુભવ કરવા માટે AIની શક્તિનો ઉપયોગ કરીને શિક્ષણમાં ક્રાંતિ લાવવાની યોજના બનાવી છે. શેર કરવામાં આવેલો એ વિડિયો આઇરિસની ઇન્ટરએક્ટિવ ક્ષમતાઓ અને એની ભૂમિકાને એક બહુમુખી શિક્ષણ ઉપકરણ તરીકે રજૂ કરે છે.
નીતિ પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી અટલ ટિકરિંગ લેબ (ATL) પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવેલી Irisમાં પરંપરાગતા શિક્ષણ પ્રણાલીમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશથી અનેક વિશેષતાઓ હાજર છે. ત્રણ ભાષાઓ બોલવા અને જટિલ સવાલોના જવાબો આપવાની ક્ષમતાની સાથે Iris પ્રત્યેક વિદ્યાર્થી માટે એક વ્યક્તિગત શીખવાની યાત્રા પ્રદાન કરે છે.
એની વિશેષતાઓમાં અવાજ સહાય, ઇન્ટરએક્ટિવ શિક્ષણ મોડ્યુલ, હેરફેર ક્ષમતા અને ગતિશીલતા સામેલ છે, જે એને વર્ગમાં એક અમૂલ્ય સંપત્તિ બનાવે છે. મેકરલેબ્સ Irisને એક રોબોટથી ક્યાંય વધુ માને છે. એના મુજબ એને શૈક્ષણિક વાતાવરણ માટે તૈયાર કરવામાં આવ્યા છે અને એક અવાજ સહાયક છે.
