બેંગલુરુ – કર્ણાટકમાં ઘણાં દિવસોથી ચાલતા રાજકીય નાટકનો આખરે આજે અંત આવી ગયો છે. પોતાની સરકારને બચાવવામાં મુખ્ય પ્રધાન અને જનતા દળ (સેક્યુલર) પાર્ટીના નેતા એચ.ડી. કુમારસ્વામી નિષ્ફળ ગયાં છે.
આજે કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસના મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પણ તેની પર થયેલા વોટિંગમાં એમની તરફેણમાં 99 વોટ પડ્યા હતા જ્યારે વિરોધપક્ષ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં 105 વોટ પડ્યા હતા. આમ, કુમારસ્વામીની 14-મહિના જૂની સરકારે 6-વોટથી સત્તા ગુમાવી છે.
મતદાનની પ્રક્રિયા પૂરી થયા બાદ મતગણતરી શરૂ કરાઈ હતી ત્યારબાદ વિધાનસભાના સ્પીકર કે.આર. રમેશે પરિણામની જાહેરાત કરી હતી.
પરિણામની જાહેરાત બાદ તરત જ ભાજપના નેતા બી.એસ. યેદિયુરપ્પા તથા અન્ય વિધાનસભ્યોએ વિક્ટરીની નિશાની બતાવી હતી.
છેલ્લા અનેક દિવસોથી કર્ણાટકમાં રાજકીય નાટક ચાલતું હતું. કોંગ્રેસ-જેડીએસના 15 અસંતુષ્ટ વિધાનસભ્યો ગૃહમાં છેવટ સુધી ગૃહમાં હાજર ન થતાં કુમારસ્વામી સરકારને હારની નામોશી સહન કરવી પડી છે.
કુમારસ્વામીની સરકારના પરાજય અંગે પ્રત્યાઘાત આપતાં ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે બધો કર્મનો ખેલ છે.
વિશ્વાસના મત પર કરાયેલા મતદાન વખતે વિધાનસભા ગૃહમાં 204 સભ્યો હાજર હતા. રાજ્યવિધાનસભાની કુલ બેઠકો 224 છે.
પોતાની સરકારનું પતન થયા બાદ કુમારસ્વામીએ રાજભવન ખાતે જઈ ગવર્નર વજુભાઈ વાળાને રાજીનામું સુપરત કરી દીધું હતું.
કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયાએ કહ્યું કે અમારા 15-16 વિધાનસભ્યોએ મતદાન વખતે ગૃહમાં હાજર ન રહીને અમારા વ્હીપનો અનાદર કર્યો હતો. આ સ્પષ્ટપણે બંધારણની કલમનું ઉલ્લંઘન છે એમને ગૃહમાંથી ગેરલાયક ઠેરવવા જોઈએ.
યેદિયુરપ્પાએ કહ્યું કે લોકશાહીનો વિજય થયો છે. જનતા કુમારસ્વામીની સરકારથી ત્રાસી ગઈ હતી. હું કર્ણાટકની જનતાને ખાતરી આપું છું કે રાજ્યમાં વિકાસનો હવે નવો યુગ શરૂ થશે.