અમદાવાદઃ કર્ણાટકના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામી બુધવારના રોજ પોતાના જ પ્રદેશમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા એક સમૂહ પર ભડકી ઉઠ્યાં હતાં. રાયચુરમાં પ્રદર્શન કરી રહેલાં એક સમૂહ પર કુમારસ્વામીને ગુસ્સો આવ્યો અને તેમણે મદદ કરવાની ના પાડી દીધી. મુખ્યપ્રધાનની નારાજગીનું કારણ લોકસભા ચૂંટણી હતી. કુમારસ્વામીએ ફટકાર લગાવતાં કહ્યું કે વોટ મોદીને આપ્યાં હતાં, અને હવે અહીં શું કરવા માટે આવ્યાં છો?
કેટલીક સ્થાનીય ચેનલોમાં ચાલી રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સીએમ કુમારસ્વામી પોતાના ગામ પાસે જ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડીની ચારે બાજુ પ્રદર્શનકારીઓ આવી ગયા અને સુત્રોચ્ચાર કરવા લાગ્યા. ત્યારબાદ કુમાર સ્વામીને ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં જ પ્રદર્શનકારીઓ સાથે વાત કરવાનું શરુ કરી દીધું. આ દરમિયાન તેમણે ગુસ્સામાં કહ્યું કે તમે લોકોએ વડાપ્રધાન મોદીને વોટ આપ્યો હતો તો પછી હું શું કરવા તમારું સન્માન કરું, તો હદ તો ત્યારે થઈ કે જ્યારે સ્વામીએ કહી દીધું કે તમે લોકો પોતાના પર લાઠીચાર્જ કરાવવા ઈચ્છો છો કે શું. તમે લોકોએ મોદીને વોટ આપ્યો છે, તો પછી હું તમારી મદદ શું કરવા કરું?
કુમારસ્વામીના આ પ્રકાર નિવેદન પર ભાજપ દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી છે. બીજેપીએ આને પ્રદેશની જનતાનું અપમાન ગણાવ્યું છે. સાથે જ કુમારસ્વામીની ટીકા કરતા કહ્યું કે આનાથી તેમની સત્તાને લઈને બેકરારી જાહેર થાય છે.
કર્ણાટક બીજેપીના મહાસચિવ રવિકુમારે કહ્યું કે આજે અમારા મુખ્યપ્રધાને ગુસ્સામાં આવીને આક્રામક અંદાજમાં રાયચૂરમાં કહ્યું કે શું હું પોલીસને બોલાવીને તમારા લોકો પર લાઠીચાર્જ કરાવી દઉં? કુમારસ્વામી લોકોને કહી રહ્યા છે કે વડાપ્રધાન મોદીને વોટ આપનારા લોકોની સહાયતા તેઓ નહી કરે. તેમણે કહ્યું કે કુમારસ્વામીએ કોઈ સામાન્ય માણસની જેમ પોતાનો મીજાજ ગુમાવ્યો છે. આ વાત રાજ્યની જનતા માટે સારી નથી.