કશ્મીરમાં 3 આતંકવાદીનો એન્કાઉન્ટરમાં ખાતમો

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીને ઠાર માર્યા છે. ત્રણેય આતંકી લશ્કર-એ-તૈબા સંગઠનના હતા. આ અથડામણ આજે વહેલી સવારે થઈ હતી.

(ફાઈલ તસવીર)

જમ્મુ-કશ્મીર પોલીસના એક અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના ઝૈનાપોરા વિસ્તારના મુંજ માર્ગ ખાતે નાકાબંધી કરી હતી અને શોધખોળ આદરી હતી. એ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ગોળીબાર કર્યો હતો. તેથી તે ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. સુરક્ષા જવાનોએ કરેલા વળતા ગોળીબારમાં 3 આતંકવાદી ઠાર મરાયા હતા. એમની ઓળખ નક્કી થઈ છે. તેઓ લશ્કર-એ-તૈબાના હતા.

કશ્મીર ઝોન પોલીસના ટ્વિટર હેન્ડલ પરની માહિતી અનુસાર, ત્રણેય આતંકવાદી સ્થાનિક રહેવાસીઓ હતા. એમાંના બે જણની ઓળખ થઈ છે. એક હતો લતીફ લોન (શોપિયાંનો) અને બીજો ઉમર નઝીર (અનંતનાગનો). લતીફ પુરણકૃષ્ણ ભટ નામના એક કશ્મીરી પંડિતની હત્યામાં સંડોવાયેલો હતો જ્યારે ઉમર નેપાળના એક નાગરિક તીલબહાદુર થાપાની હત્યામાં સંડોવાયેલો હતો. મૃતકો પાસેથી એક એકે-47 રાઈફલ તથા બે પિસ્તોલ મળી આવી હતી.