પુલવામાના શહીદોને આ વ્યક્તિએ આપી અનોખી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ “આર્યાવર્તને” (ભારત) અખંડ રાખવા માટે પોતાનું અસ્તિત્વ પાથરી દેનારા સીઆરપીએફના 40 શહીદોને તેમની પ્રથમ વરસી પર આખા દેશે શ્રદ્ધાંજલી અર્પિત કરી. પરંતુ એક દેશ ભક્તે તો આ શહિદોને એવી શ્રદ્ધાંજલી આપી કે જે સૌથી અલગ છે. વ્યવસાયે ગાયક ઉમેશા ગોપીનાથ જાધવે જે ભાવના સંકલ્પ સાથે તેમને પોતાની શ્રદ્ધાંજલી અર્પિત કરી છે, તે શહીદોની શહાદતની જેમ જ સહુના માટે પ્રેરણાસ્ત્રોત છે. આ વ્યક્તિ છેલ્લા એક વર્ષથી સતત આખા દેશમાં ફર્યા અને પુલવામામાં શહિદ થયેલા દરેક વ્યક્તિના ઘરે ગયા. તેમના ગામ-ઘરની માટી લીધી અને તેને લઈને શહિદોની કર્મભૂમિ પર પહોંચ્યા. આ વ્યક્તિની રાષ્ટ્રભક્તિ, શહીદોના મિશન પ્રત્યે તેમની આસ્થા અને માનને વધારતા સીઆરપીએફે પણ શહીદ સ્મારક સ્થળ પર તેમના દ્વારા લાવવામાં આવેલી માટીને પ્રસ્થાપિત કરી. 

પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે આજે સવારે જ્યારે કૃતજ્ઞ રાષ્ટ્રને તેમના શહીદ સ્મારક સ્થળ અર્પિત કરવામાં આવ્યું તો ઉમેશ ગોપીનાથ પણ ત્યાં ઉપસ્થિત હતા. સીઆરપીએફે તેમને લિથપોરામાં શહીદ સ્મારક સ્થળના ઉદ્ઘાટન સમારોહમાં વિશેષ અતિથી તરીકે બોલાવ્યા હતા. પ્રત્યેક શહીદના ઘરે જઈને તેમના ઘરના આંગણાની માટી લાવવા માટે તેમણે 61,000 કિલોમીટરની યાત્રા કરી.

શ્રીનગર-જમ્મૂ હાઈવે પર દક્ષિણ કાશ્મીરમાં લિથપોરા, પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019 ના રોજ બપોરે આશરે 3 વાગ્યે જૈશ-એ-મહોમ્મદના આત્મઘાતી આતંકીએ વિસ્ફોટકોથી ભરેલી કાર સાથે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 સીઆરપીએફના કર્મચારીઓ શહીદ થયા હતા. આ હુમલામાં હુમલાખોરના પણ ફૂરચે-ફૂરચા ઉડી ગયા હતા. છેલ્લા દોઢ દશક જેટલા સમયગાળા દરમિયાન કાશ્મીરમાં આ અત્યારસુધીનો સૌથી મોટો આત્મઘાતી હુમલો હતો.

શહીદ સીઆરપીએફના જવાનોના સ્મારક સ્થળ તેમના બલિદાન સ્થળથી આશરે 200 મીટર દૂર સ્થિત સીઆરપીએફના લિથપોરા કેમ્પ પરિસરની અંદર જ બનાવવામાં આવ્યું છે. શહીદ સ્મારક સ્થળને એડીજીપી સીઆરપીએફ જુલ્ફિકાર હસને આજે રાષ્ટ્રને સમર્પિત કર્યું. તેમણે ઉમેશ જાધવને સન્માનિત કર્યા. શહીદ સ્મારક સ્થળના ઉદ્ઘાટન બાદ એક વાતચીતમાં ઉમેશ જાધવે કહ્યું કે, આપણે આ શહીદો અને તેમના પરિવારોનું ઋણ ક્યારેય નહી ચૂકવી શકીએ. મને પુલવામાંના પ્રત્યેક શહિદના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા તેનું ગૌરવ છે. માતા-પિતાએ પોતાના બાળકો ગુમાવ્યા છે, સુહાગણે પોતાનો સુહાગ ગુમાવ્યો છે અને પોતાના જીવનની કુરબાની આપી છે, બાળકોના માથા પરથી પિતાની છત્રછાયા ઉઠી ગઈ છે, અને ઘણા જુવાનિયાઓએ પોતાના મિત્રો ખોયા છે.

મેં દરેક શહીદના ઘરની માટી લીધી, મેં તે સ્મશાન ભૂમિની માટી પણ એકત્ર કરી કે જ્યાં તેમને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. આ માટીનો અહીંયા યુદ્ધ સ્મારકમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા માટી મૂકવામાં આવી છે. આ આપણને બધાને આ શહીદોના બલિદાનને સદાય યાદ રાખવા અને આ દેશને આતંકવાદ મુક્ત બનાવી રાખવા માટે પ્રેરણા પ્રદાન કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]