નવી દિલ્હી- જમ્મુ-કશ્મીરમાં આતંકી હુમલા માટે ષડયંત્રનો ખુલાસો થયો છે. ગુપ્ત એજન્સીના એલર્ટ મુજબ 5થી 9 એપ્રિલની વચ્ચે કશ્મીર ઘાટીમાં જેશ-એ-મોહમ્મદના આતંકીઓ હુમલો કરી શકે છે. આ પહેલા ગુરુવારે પણ લોકસભા ચૂંટણી દરમિયાન દેશભરમાં આતંકી હુમલાના ષડયંત્રનો ખુલાસો થયો હતો. સુત્રોનું માનીએ તો, લોકસભા ચૂંટણી દરમિયાન આતંકવાદીઓએ હુમલા માટે 3 ટીમો બનાવી છે. જેમાં અફઘાનિસ્તાનના બોમ્બ એક્સપર્ટ પણ સામેલ છે.
દિલ્હીમાં હુમલાને લઈને એલર્ટ જાહેર કરાયું હતું
14 ફેબ્રુઆરીએ પુલવામા માં થયેલા આંતકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું હતું. સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કરીને કહ્યું કે, આતંકી સંગઠન દિલ્હીમાં મોટો હુમલો કરી શકે છે. એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી સંગઠનો હવે જમ્મુ-કશ્મીર ઉપરાંત હાઈ વેલ્યુ ટાર્ગેટ પર હુમલો કરવાનો પ્લાન ઘડી રહ્યાં છે.
મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ સુરક્ષા એજન્સીઓએ જેશના આતંકીઓની ધરપકડ કરી હતી. આ આંતકીઓની પુછપરછને આધારે જ આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ એલર્ટમાં કહ્યું કે, દેશના જાણીતા અને મોટા નેતા, રેલવે લાઈન. ઓઈલ ડેપો. દક્ષિણપંથી નેતા અને એક્ટિવિસ્ટો આતંકીઓના નિશાના પર છે.
કશ્મીરના જૂદા જૂદા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી લઈને અત્યાર સુધીમાં ઘણી વખત આતંકીઓ સાથે ઘર્ષણ થયું છે, જેમાં સુરક્ષા દળોએ ઘણા બધા આતંકીઓને ઠાર કર્યા છે.