ચંડીગઢઃ જાણીતા પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિધુ મૂસેવાલાની હત્યાએ પંજાબ રાજ્યમાં રાજકીય વિવાદ જગાડ્યો છે. કોંગ્રેસ પાર્ટી તથા બીજા અનેક પક્ષોએ શાસક આમ આદમી પાર્ટીની ઝાટકણી કાઢીને આક્ષેપ કર્યો છે કે આ રાજકારણથી પ્રેરિત હત્યા છે. પંજાબ કોંગ્રેસના વડા અમરિન્દરસિંહ વારિંગે કહ્યું છે કે સિધુ મૂસેવાલાની અજાણ્યા શખ્સોએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક સવાલો ઊભા થયા છે. AAP સરકારે રાજીનામું આપવું જોઈએ.
વારિંગ તથા ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખજિન્દરસિંહ રંધવા મૃતક સિધુ મૂસેવાલાના પરિવારજનોને મળ્યા હતા અને એમને દિલાસ આપ્યો હતો. વારિંગે બાદમાં સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પંજાબ સરકારની નિષ્ફળતા અને પોલીસની અક્ષમતાને કારણે આ ઘટના બની છે. આની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા, કોઈ વર્તમાન જજ દ્વારા કરાવવી જોઈએ. આ રાજકીય હત્યા છે. રાજ્ય સરકારે રાજીનામું આપવું જોઈએ.
દરમિયાન, પંજાબના પોલીસ વડા વી.કે. ભાવરાએ કહ્યું છે કે મૂસેવાલાની હત્યામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ટોળકી સંડોવાયેલી છે. આ હત્યા પાછળ આંતર-ગેંગ દુશ્મની હોય એવું લાગે છે. બિશ્નોઈ ગેંગના લકી નામના એક સભ્યએ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. લકી કેનેડામાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભગવંત માને મૂસેવાલાની હત્યામાં તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. સિધુ મૂસેવાલા ગઈ કાલે માનસા જિલ્લામાં કારમાં જતા હતા. એ પોતે જ કાર ચલાવતા હતા. બે કારે આગળથી આવી હતી અને ગોળીબાર કર્યો હતો. ઘાયલ થયેલા મૂસેવાલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ડોક્ટરોએ એમને મૃત લાવેલા જાહેર કર્યા હતા. મૂસેવાલા એમની સાથે કમાન્ડો લઈ ગયા નહોતા કે ખાનગી બુલેટપ્રૂફ કારમાં પણ ગયા નહોતા. પંજાબ પોલીસ તરફથી એમને 4 કમાન્ડો આપવામાં આવ્યા હતા, પરંતુ એમાંના બે કમાન્ડોને હટાવી લેવામાં આવ્યા હતા. પરંતુ બે કમાન્ડો યથાવત્ રાખવામાં આવ્યા હતા. છતાં તેઓ એ બંનેને સાથે લઈ ગયા નહોતા.